MORBI:મોરબી જિલ્લાના બાગાયતદાર ખેડૂતો માટે સહાયલક્ષી નવી યોજનાઓ: આઇ-ખેડુત પોર્ટલ પર અરજી પ્રક્રિયા શરૂ




MORBI:મોરબી જિલ્લાના બાગાયતદાર ખેડૂતો માટે સહાયલક્ષી નવી યોજનાઓ: આઇ-ખેડુત પોર્ટલ પર અરજી પ્રક્રિયા શરૂ

“ફળપાકોમાં ફિલ્ડ કવર” અને “બહુસ્તરીય પદ્ધતિ” જેવા નૂતન ઘટકો માટે ૯ જુલાઈ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે
ખેડૂતોએ આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ પર નોંધણી અને અરજી કન્ફર્મ કરી પ્રિન્ટ નકલ પોતાની પાસે રાખવાની રહેશ
ગુજરાત સરકારના બાગાયત ખાતા દ્વારા બાગાયતી ખેતી કરતા ખેડૂતોના આર્થિક ઉત્કર્ષ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન માટે વિવિધ સહાયલક્ષી નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ અંતર્ગત “ફળપાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાનો કાર્યક્રમ” તેમજ “બહુસ્તરીય પધ્ધતીથી ફળપાકોનો વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ” જેવા મહત્વકાંક્ષી ઘટકો માટે આઇ-ખેડુત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
મોરબી જિલ્લાના પાત્રતા ધરાવતા તમામ બાગાયતદાર ખેડૂતો આ યોજનાઓનો લાભ લેવા માટે સત્તાવાર વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in (આઇ-ખેડુત પોર્ટલ ૨.૦) પર તા. ૦૯/૦૭/૨૦૨૬ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે.
બાગાયતદારોએ સહાય મેળવવા માટે સૌપ્રથમ આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ પર પોતાની નોંધણી (રજીસ્ટ્રેશન) કરાવવી ફરજિયાત છે. ત્યારબાદ જ ઓનલાઈન અરજી કરી શકાશે. ખેડૂતોએ નિયત ફોર્મમાં માંગ્યા મુજબના તમામ જરૂરી સાધનિક કાગળો ઓનલાઈન અપલોડ કરી અરજી કન્ફર્મ કરવાની રહેશે અને તેની પ્રિન્ટ નકલ પોતાની પાસે સુરક્ષિત રાખવાની રહેશે.
ઓનલાઈન અરજીની પૂર્વ મંજૂરી મળ્યા બાદ, ખેડૂતોએ ક્લેઇમ સબમિટ કરતી વખતે આ પ્રિન્ટ પર સહી કરી જરૂરી દસ્તાવેજો સાથે ‘નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, રૂમ નં. ૨૨૬-૨૨૭, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી’ ના સરનામે રૂબરૂ રજૂ કરવાની રહેશે તેવું મોરબી નાયબ બાગાયત નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.



