WAKANER વાંકાનેર રિક્ષાચાલકની દીકરીએ જીત્યા સૌના દિલ: ‘બેટી બચાવો, બેટી ભણાવો’ પર પ્રભાવશાળી વક્તવ્ય બદલ મળ્યું 2,000નું સન્માન




WAKANER વાંકાનેર રિક્ષાચાલકની દીકરીએ જીત્યા સૌના દિલ: ‘બેટી બચાવો, બેટી ભણાવો’ પર પ્રભાવશાળી વક્તવ્ય બદલ મળ્યું 2,000નું સન્માન

પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-2026 અંતર્ગત પીએમ શ્રી રામકૃષ્ણનગર કન્યા પ્રાથમિક શાળા, નવાપરા (વાંકાનેર) ખાતે યોજાયેલા કાર્યક્રમમાં માત્ર છ વર્ષની નાનકડી વિદ્યાર્થીની તમન્ના આરીફખાન પઠાણ પોતાની પ્રતિભા અને આત્મવિશ્વાસથી સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી.

ધોરણ-3માં અભ્યાસ કરતી તમન્નાએ ‘બેટી બચાવો, બેટી ભણાવો’ વિષય પર ખૂબ જ અસરકારક અને પ્રેરણાદાયી વક્તવ્ય રજૂ કર્યું હતું. બાળકીના શિક્ષણ, મહિલા સશક્તિકરણ અને સમાજમાં દીકરીઓના મહત્વ અંગે તેના નિર્ભય અને સ્પષ્ટ વિચારો સાંભળીને કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો, શિક્ષકો અને વાલીઓ પ્રભાવિત થયા હતા.રાજ્યકક્ષા મંત્રી તથા વાંકાનેરના ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં તમન્નાની રજૂઆતને બિરદાવતાં બંને મહાનુભાવોએ તેને એક-એક હજાર રૂપિયા મળીને કુલ ₹2,000નું પ્રોત્સાહક ઇનામ અર્પણ કર્યું હતું. આ સન્માન નાનકડી વિદ્યાર્થીની માટે ગૌરવની ક્ષણ બની હતી.
તમન્ના માત્ર શૈક્ષણિક ક્ષેત્રે જ નહીં પરંતુ ધાર્મિક અને નૈતિક શિક્ષણમાં પણ રસ ધરાવે છે. કુરઆનના પાઠ સાથે અભ્યાસમાં પણ આગળ વધતી આ બાળકી આજે પોતાના માતા-પિતા અને શાળા પરિવાર માટે ગૌરવનું કારણ બની છે.
ખાસ નોંધનીય બાબત એ છે કે તેના પિતા આરીફખાન પઠાણ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. આર્થિક મર્યાદાઓ વચ્ચે પણ દીકરીના શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે તેઓ સતત પરિશ્રમ કરી રહ્યા છે. તેમની મહેનત અને દીકરી પ્રત્યેની પ્રતિબદ્ધતાનું સુંદર પરિણામ આજે તમન્નાની સિદ્ધિ રૂપે સામે આવ્યું છે.આ પ્રસંગે સ્પષ્ટ થયું કે પ્રતિભા કોઈ આર્થિક પરિસ્થિતિની મોહતાજ નથી. યોગ્ય માર્ગદર્શન, પ્રોત્સાહન અને મહેનતથી સામાન્ય પરિવારમાંથી પણ અસાધારણ સફળતાઓ સર્જાઈ શકે છે. તમન્ના પઠાણની આ ઉપલબ્ધિ માત્ર તેના પરિવાર માટે જ નહીં પરંતુ સમગ્ર વાંકાનેર અને શાળા પરિવાર માટે ગૌરવની બાબત બની છે.નાનકડી તમન્નાના આત્મવિશ્વાસ અને સંસ્કારોએ સમાજને એક સકારાત્મક સંદેશ આપ્યો છે કે “દીકરીઓને તક આપો, તેઓ પોતાની પ્રતિભાથી આખા સમાજનું નામ રોશન કરી શકે છે.”



