ARAVALLIMODASA

અરવલ્લી – ધનસુરા અને બાયડ વિસ્તારમાં થયેલ મોટર અને કેબલ વાયર ચોરીની પાંચ ઘટનાઓના 3 આરોપીઓ ઝડપાયા 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી – ધનસુરા અને બાયડ વિસ્તારમાં થયેલ મોટર અને કેબલ વાયર ચોરીની પાંચ ઘટનાઓના 3 આરોપીઓ ઝડપાયા

અરવલ્લી જિલ્લા એલસીબી ટીમે ધનસુરા અને બાયડ પોલીસ મથક વિસ્તારમાં થયેલી મોટર અને કેબલ વાયર ચોરીની પાંચ વણઉકેલાયેલી ઘટનાઓનો ભેદ ઉકેલી બે ચોર અને એક રિસીવર આરોપીની ધરપકડ કરી છે.પોલીસે કુલ રૂ.1.41 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને ચોરીના સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે.

એલસીબી ટીમ પેટ્રોલિંગ દરમિયાન હીરાખાડી કંપા રોડ પર શંકાસ્પદ હાલતમાં એક બાઈક પર જઈ રહેલા કમલેશભાઈ ઉર્ફે લાલો રમણભાઈ ખાંટ અને કરણસિંહ રમણભાઈ મકવાણાને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી મોટર, કોપર વાયર અને અન્ય સામાન મળતા પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં બંનેએ છેલ્લા પોણા ત્રણ મહિનામાં ધનસુરા અને બાયડ વિસ્તારના વિવિધ પ્લાન્ટ અને ખેતરોમાંથી આશરે 20 મોટરો તથા 1000 ફૂટ જેટલા કેબલ વાયર ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી.આરોપીઓ ચોરાયેલી મોટરોમાંથી કોપર કાઢીને વડાગામના બજરંગ વાસણ ભંડારના વેપારી સંજયકુમાર ઓમપ્રકાશ વૈષ્ણવને વેચતા હતા, જ્યારે અન્ય ધાતુનો ભંગાર નવલપુરના નાથુલાલ નેના ગુર્જરને વેચતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે સંજયકુમાર વૈષ્ણવની પણ ધરપકડ કરી છે, જ્યારે નાથુલાલ ગુર્જર હાલ ફરાર છે.તપાસ દરમિયાન પોલીસે ચોરીમાં વપરાયેલી બાઈક, કોપર વાયર, જૂની મોટર અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ.1.41 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીઓએ સીમલી, વડાગામ, બોરવાઈ અને વાત્રક વિસ્તારના ડામર પ્લાન્ટ તેમજ વોટર વર્ક્સમાંથી ચોરીઓ આચરી હોવાનું પણ ખુલ્યું છે.

એલસીબી અરવલ્લીની આ કામગીરીથી ધનસુરા અને બાયડ પોલીસ મથકના કુલ પાંચ મિલકત સંબંધિત ગુનાઓનો સફળતાપૂર્વક ભેદ ઉકેલાયો છે. પોલીસ ફરાર આરોપીની શોધખોળ માટે વધુ કાર્યવાહી હાથ ધરી રહી છે.

Back to top button
error: Content is protected !!