RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: સુરજ સા ચમકે હમ….સ્કૂલ ચલે હમ.. જસદણ તાલુકાના રાણીંગપર, વેરાવળ અને ભાડલા ગામે મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં ‘પ્રગતિનો પ્રવેશોત્સવ ૨૦૨૬’ની ઉજવણી

તા.૨૫/૬/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

બાળકોમાં શિક્ષણ થકી સંસ્કાર, ચારિત્ર્ય અને દેશભક્તિનું સિંચન થાય છે – મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા

મંત્રીશ્રીના હસ્તે કુલ ૨૬૦ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો

‘સુરજ સા ચમકે હમ… સ્કૂલ ચલે હમ…’ના પ્રેરણાદાયી સૂત્ર સાથે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’નો ત્રીજો દિવસ ભારે ઉત્સાહપૂર્વક ઉજવાયો હતો. તાલુકાના રાણીંગપર, વેરાવળ અને ભાડલા ગામે મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ શાળાના આંગણે પ્રથમ વાર પગ મૂકતા ભૂલકાંઓને શૈક્ષણિક કીટ આપીને ઉષ્માભેર આવકાર્યા હતા. આ સાથે જ, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (NRLM) દ્વારા તૈયાર કરાયેલી ‘સ્ત્રી સશક્તિકરણ’ વિષયક પુસ્તિકાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

નવા પ્રવેશેલા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવતા કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, “તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરાવેલી આ પરંપરા આજે ૨૩માં વર્ષે પણ એટલા જ ઉત્સાહથી અવિરત ચાલી રહી છે. બાળકો શાળામાં પ્રવેશ મેળવ્યા બાદ પોતાનો અભ્યાસ અધવચ્ચે ન છોડે અને ગ્રેજ્યુએશન સુધીનું શિક્ષણ મેળવે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ સહાય-યોજનાઓ અમલી બનાવવામાં આવી છે.”

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, દેશને વિકસિત અને સુસંસ્કૃત બનાવવામાં શિક્ષકોની ભૂમિકા અનન્ય છે. શિક્ષકોના અથાક પ્રયાસોથી જ બાળકોમાં સંસ્કાર, ઉત્તમ ચારિત્ર્ય અને દેશભક્તિનું સિંચન થાય છે.

આ વર્ષે રાણીંગપર ગામ ખાતે આંગણવાડીમાં ૧૭, બાલવાટિકામાં ૨૩ અને ધોરણ ૦૯માં ૨૦ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો. વેરાવળ- ભાડલા ગામ ખાતે આંગણવાડીમાં ૦૬, બાલવાટિકામાં ૧૫ વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવ્યો હતો. ભાડલા ગામ ખાતે આંગણવાડીમાં ૨૫, બાલવાટિકામાં ૫૦, ધોરણ ૦૧માં ૦૪, ધોરણ ૦૯માં ૯૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આમ, કુલ ૨૬૦ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો.

કાર્યક્રમ દરમિયાન ત્રણેય શાળામાં તમામ ધોરણમાં પ્રથમ ત્રણ ક્રમે ઉત્તીર્ણ થયેલા તેજસ્વી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ ઉપરાંત, ‘ખેલ મહાકુંભ’ તેમજ વિવિધ સ્પર્ધાઓ અને સરકારી શૈક્ષણિક યોજનાઓની પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. આ તકે શાળાના શિક્ષકોએ ઉપસ્થિત વાલીઓ અને ગ્રામજનોને સરકારની વિવિધ શૈક્ષણિક અને કલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી.

કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પર્યાવરણ રક્ષણ, ‘બેટી બચાવો, બેટી પઢાવો’ તેમજ વિજ્ઞાન અને ટેક્નોલોજીના મહત્વ પર પ્રભાવશાળી વક્તવ્યો રજૂ કર્યા હતા. ઉપસ્થિત તમામ નાગરિકોએ માર્ગ સલામતીના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે સામૂહિક શપથ લીધા હતા. કાર્યક્રમના અંતે પ્રકૃતિના જતન અર્થે શાળા પરિસરમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ મંત્રીશ્રીએ શાળાના સ્ટાફ સાથે સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં શાળાની શૈક્ષણિક ગુણવત્તા અને કામગીરીનું મૂલ્યાંકન કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકો, શિક્ષણ વિભાગના અધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!