GUJARAT:ખેડૂતોના હક માટે ગુજરાતમાં મહાઆંદોલન: વીજ કંપનીઓની દાદાગીરી સામે આવતીકાલથી કચ્છથી દ્વારકા સુધી ૫૦૦ કિમીની ‘ખેડૂત ન્યાય પદયાત્રા’ યોજાશે




GUJARAT:ખેડૂતોના હક માટે ગુજરાતમાં મહાઆંદોલન: વીજ કંપનીઓની દાદાગીરી સામે આવતીકાલથી કચ્છથી દ્વારકા સુધી ૫૦૦ કિમીની ‘ખેડૂત ન્યાય પદયાત્રા’ યોજાશે

રાજકોટ, ૨૫ જૂન: ગુજરાતનો ખેડૂત આજે ખાનગી કંપનીઓ અને સરકારની નીતિઓને કારણે પોતાના જ ખેતરમાં ગુલામ જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યો હોવાના આક્ષેપ સાથે ગુજરાત કિશાન કોંગ્રેસ અને ગુજરાત કિશાન સંઘર્ષ સમિતિ દ્વારા એક વિશાળ મહાઆંદોલનનું એલાન કરવામાં આવ્યું છે. ખેડૂતોના બંધારણીય હકોની રક્ષા માટે આવતીકાલે તારીખ ૨૬ જૂન ૨૦૨૬ના રોજ સવારે ૯:૦૦ કલાકે કચ્છના રાપર તાલુકાના ઐતિહાસિક વ્રજવાણી ગામથી ૫૦૦ કિલોમીટર લાંબી “ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા” નો પ્રારંભ થશે.
આ ઐતિહાસિક પદયાત્રા કચ્છથી નીકળી મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ અને જામનગર થઈને દેવભૂમિ દ્વારકા પહોંચશે. જ્યાં ભગવાન દ્વારકાધીશના ચરણોમાં કિસાન ધ્વજ અર્પણ કરી સરકારને સદબુદ્ધિ આપવા માટે પ્રાર્થના કરવામાં આવશે. આ સમગ્ર યાત્રાનું નેતૃત્વ ખેડૂત નેતા પાલભાઈ આંબલીયા, મહેશ રાજકોટીયા, ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, લાલજી દેસાઈ અને જયેશ પટેલ સંયુક્ત રીતે કરશે. આ યાત્રામાં હજારો ખેડૂતો, યુવાનો અને કોંગ્રેસના કાર્યકરો જોડાશે.

વીજ કંપનીઓની દાદાગીરી અને કાયદાના ઉલ્લંઘન સામે આક્રોશ: ખેડૂત નેતાઓએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે, સરકાર ખાનગી કંપનીઓના ઇશારે ખેડૂતોની પૂર્વ મંજૂરી વિના ખેતરોમાં વીજલાઈનના થાંભલા અને ટાવરો ઊભા કરી રહી છે. પોલીસ બળનો દુરુપયોગ કરીને જમીનો પચાવી પાડવામાં આવે છે અને બજારભાવ કરતાં તદ્દન નજીવું વળતર આપવામાં આવે છે, જે બંધારણની કલમ ૩૦૦-A અને જમીન સંપાદન કાયદાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન છે. મોરબીના જેતપર અને કોંઢ ગામે ખેડૂતો દ્વારા ચલાવવામાં આવી રહેલા શાંતિપૂર્ણ આંદોલનને કોંગ્રેસ પક્ષે સંપૂર્ણ કાનૂની અને બંધારણીય સમર્થન જાહેર કર્યું છે.
ખેડૂત સંગઠનો અને કોંગ્રેસની ૭ મુખ્ય માંગણીઓ: ૧. સંમતિનો અધિકાર: ખેડૂતની લેખિત પૂર્વ સંમતિ વિના ખેતરમાં કોઈ પણ વીજલાઈનનું કામ ન કરવું.
૨. ૪ ગણું વળતર: જમીન સંપાદન કાયદો ૨૦1૩ મુજબ માર્કેટ વેલ્યુ કરતાં ૪ ગણું વળતર ફરજિયાત આપવું.
૩. કાયદાનું પાલન: ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્ટ અને ટેલિગ્રાફ એક્ટ ૧૮૮૫ની કલમોનું ચુસ્ત પાલન કરવું.
૪. SOP જાહેર કરવી: ભવિષ્યના પ્રોજેક્ટ્સ માટે ૩૦ દિવસમાં સ્પષ્ટ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર કરવી.
૫. ફોજદારી કાર્યવાહી: કાયદાનો ભંગ કરનારા અધિકારીઓ અને કંપનીના પ્રતિનિધિઓ સામે કેસ દાખલ કરવા.
૬. SITની રચના: છેલ્લા ૫ વર્ષમાં વીજલાઈન પ્રોજેક્ટ્સમાં થયેલા અન્યાયની તપાસ હાઈકોર્ટના સિટિંગ જજની અધ્યક્ષતામાં કરવી.
૭. જેતપરને ન્યાય: જેતપરના આંદોલનકારી ખેડૂતોની માંગો સ્વીકારવી અને તેમના પર થયેલા પોલીસ કેસ પાછા ખેંચવા.
નેતાઓએ ઉમેર્યું હતું કે આ લડાઈ માત્ર કોઈ એક ગામની નથી, પરંતુ ગુજરાતના ૬૦ લાખ ખેડૂત પરિવારોના ભવિષ્યની છે. જ્યાં સુધી ખેડૂતોને કાયદા મુજબ સંપૂર્ણ ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લોકશાહી અને શાંતિપૂર્ણ લડત અવિરત ચાલુ રહેશે. તમામ અગ્રણીઓએ ગુજરાતના તમામ ૩૩ જિલ્લાના ખેડૂતો, યુવાનો, વકીલો, વેપારીઓ અને નાગરિકોને આ ન્યાય યાત્રામાં જોડાવા હાર્દિક અપીલ કરી છે.
“કાયદાથી લડીશું, કાયદાથી જીતીશું” ના નારા સાથે આ આંદોલન આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવશે તે નક્કી છે.




