MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી: સફાઈની અરજીનો ખાર રાખી પાડોશીઓનો હુમલો, ઘરમાં ઘૂસી લોખંડના પાઇપ ફટકાર્યા 

 

MORBI:મોરબી: સફાઈની અરજીનો ખાર રાખી પાડોશીઓનો હુમલો, ઘરમાં ઘૂસી લોખંડના પાઇપ ફટકાર્યા

 

મોરબી-2 માં આવેલા માળીયા-વનાળીયા સોસાયટી વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સોસાયટીમાં રોડ સાફ-સફાઈ અંગે મહાનગરપાલિકામાં કરવામાં આવેલી અરજીની અદાવત રાખીને ચાર પાડોશી શખ્સોએ એક પરિવાર પર ઘાતક હુમલો કર્યો હતો. એટલું જ નહીં, હુમલાખોરોએ ઘરમાં ઘૂસી મારપીટ કરી ફરિયાદીના ખિસ્સામાંથી ₹17,000 રોકડા પણ પડાવી લીધા હતા. આ મામલે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કારણ: સોસાયટીના રોડની સફાઈ અંગે મહાનગરપાલિકામાં કરેલી અરજીની અદાવત.ભોગ બનનાર: સતિષભાઈ ગૌતમભાઈ સારેસા (ઉં.વ. 25) અને તેમનો પરિવાર.આરોપીઓ: પ્રેમજીભાઈ પરમાર, તેમનો પુત્ર, દિનેશભાઈ પરમાર અને પકો (દિનેશભાઈના મોટાભાઈનો પુત્ર).

મળતી માહિતી મુજબ, ફરિયાદી સતિષભાઈ સારેસાના મામાએ સોસાયટીમાં સફાઈ બાબતે મહાનગરપાલિકામાં અરજી કરી હતી, જે પાડોશમાં રહેતા પ્રેમજીભાઈ પરમાર અને તેમના પરિવારને ગમ્યું ન હતું. ગત તા. 22 જૂનના રોજ રાત્રે જ્યારે સતિષભાઈ ઘરે પરત ફર્યા ત્યારે આરોપી પ્રેમજીભાઈના પુત્ર સાથે આ બાબતે બોલાચાલી થઈ હતી.

આ ડખ્ખો ત્યાં જ ન અટકતા, ચારેય આરોપીઓ હથિયારો સાથે સતિષભાઈના ઘરમાં ઘૂસી ગયા હતા અને સતિષભાઈના મોટાભાઈ ભરતભાઈ સાથે ઝઘડો શરૂ કર્યો હતો. આ દરમિયાન આરોપી દિનેશભાઈએ લોખંડના પાઇપ વડે ભરતભાઈના માથામાં જોરદાર ઘા ઝીંકી દીધો હતો. જ્યારે અન્ય આરોપીઓએ સતિષભાઈ અને તેમના પિતાને પણ બેરહેમીથી માર માર્યો હતો.

હુમલાખોરો માત્ર મારપીટ કરીને જ ન અટક્યા, પરંતુ મારામારી દરમિયાન આરોપીઓએ ફરિયાદી સતિષભાઈના શર્ટના ખિસ્સામાં રહેલા ₹17,000 રોકડા પણ બળજબરીપૂર્વક કાઢી લીધા હતા અને ત્યાંથી નાસી છૂટ્યા હતા હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં માથાના ભાગે ગંભીર ઈજા પામેલા ભરતભાઈને ટાંકા આવ્યા છે, જ્યારે અન્ય સભ્યોને સામાન્ય ઈજાઓ પહોંચી છે.હાલમાં આ સમગ્ર મામલે મોરબી બી ડિવિઝન પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BJS) ની વિવિધ કલમો તેમજ જીપી એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!