દાંતીવાડા તાલુકાની મોઢરૂગઢ (ભાખર નાની) પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્યશ્રી માવજીભાઈ દેસાઈએ ભૂલકાંઓને શાળામાં પ્રવેશ કરાવ્યો

26 જૂન જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
સરકારશ્રીની પહેલોથી શિક્ષણનું સ્તર સતત સુધરી રહ્યું છે: કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે જરૂરી: ધારાસભ્યશ્રી માવજીભાઈ દેસાઈ
શિક્ષણના મહાપર્વ સમાન ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬નો બનાસકાંઠા જિલ્લામાં ઉત્સાહ, ઉમંગ અને જનભાગીદારી સાથે ઉજવાઈ રહ્યો છે.
રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ મહોત્સવના બીજા દિવસે દાંતીવાડા તાલુકાની મોઢરૂગઢ (ભાખર નાની) પ્રાથમિક શાળામાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. ધાનેરાના ધારાસભ્યશ્રી માવજીભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને બાલવાટિકા અને ધોરણ-૧માં પ્રવેશ મેળવનારા બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી માવજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, શિક્ષણ એ વ્યક્તિ, પરિવાર અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસનું મજબૂત આધારસ્તંભ છે. રાજ્ય સરકાર દ્વારા દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ થાય તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શાળા પ્રવેશોત્સવ થકી શિક્ષણ પ્રત્યે સમાજમાં જાગૃતિ લાવવાનો અને દરેક બાળકને શિક્ષણ સાથે જોડવાનું એક જનઆંદોલન છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, સરકારશ્રી દ્વારા શિક્ષણ ક્ષેત્રે અનેક નવીન પહેલો હાથ ધરવામાં આવી છે, જેના પરિણામે શાળાઓમાં માળખાકીય સુવિધાઓ, ડિજિટલ શિક્ષણ અને ગુણવત્તાયુક્ત અભ્યાસનું સ્તર સતત સુધરી રહ્યું છે. કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે જરૂરી છે. તેમણે વાલીઓને પોતાના બાળકોના નિયમિત અભ્યાસ, હાજરી અને સર્વાંગી વિકાસ માટે સતત પ્રોત્સાહન આપવાની અપીલ કરી હતી, તેમજ શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) ના સભ્યોને શાળાના વિકાસમાં સક્રિય ભાગીદાર બનવા અનુરોધ કર્યો હતો.કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ શાળા પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું, આ ઉપરાંત શૈક્ષણિક, સાંસ્કૃતિક અને રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ, આચાર્યશ્રી, શિક્ષકો, એસ.એમ.સી.ના સભ્યો, વાલીઓ, ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.







