રાજુલા કુમાર શાળા નંબર એકમાં પ્રવેશ ઉત્સવ ઉજવાયો
ધારાસભ્ય સહિતના મહાનુભાવો એ આપી હાજરી

યોગેશ કાનાબાર અમરેલી
રાજુલાની શ્રી કુમારશાળા નં. ૧ ખાતે પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા રૂ. 5 લાખની સહાયની જાહેરાત

રાજુલા શહેરની શ્રી કુમારશાળા નં. ૧ ખાતે શૈક્ષણિક વર્ષ 2026-27 અંતર્ગત **’પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’**નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત મુખ્ય અતિથિ ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકીએ દીપ પ્રાગટ્ય અને મા સરસ્વતીના પૂજન સાથે કરી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો અને આગેવાનોનું પુસ્તક અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકીએ શાળાની ભૌતિક સુવિધાઓમાં વધારો કરવા માટે મધ્યાહન ભોજન શેડ, પાણીની વ્યવસ્થા, સ્ટોરેજ સહિતની જરૂરી સુવિધાઓ માટે રૂ. 5 લાખની સહાય તથા જરૂરિયાત મુજબ વધારાનો ખર્ચ કરવાની જાહેરાત કરી હતી.
નવા પ્રવેશ મેળવનાર બાળકોનું શૈક્ષણિક કિટ અને સ્કૂલબેગ આપી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. એસએમસી અધ્યક્ષ રણછોડભાઈ મકવાણાએ બાલવાટિકાના તમામ બાળકોને સ્કૂલબેગ અને પ્રમાણપત્રો અર્પણ કર્યા હતા. કાર્યક્રમમાં બાલવાટિકાના 33 બાળકોનું વિશેષ સ્વાગત કરવામાં આવ્યું તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા.

શાળાના સર્વાંગી વિકાસ, ICTના અસરકારક ઉપયોગ, નવીન શૈક્ષણિક અભિગમ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટેના નોંધપાત્ર યોગદાન બદલ આચાર્યા હિરલબેન ઠાકરનું ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકી તથા એસએમસી દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વિદ્યાર્થીઓના વાલીઓને શિક્ષણનું મહત્વ, કન્યા શિક્ષણ, નિયમિત હાજરી અને સરકારની વિવિધ શૈક્ષણિક યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોતાના સંબોધનમાં ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, “દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે અને દરેક બાળક શાળાએ પહોંચે તે સમાજ અને રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત પાયો છે.”
કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થીઓ અને આચાર્યા હિરલબેન ઠાકરે કર્યું હતું. અંતે શાળાના આચાર્ય, મહાનુભાવો અને આગેવાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. એસએમસીના શિક્ષણવિદ રહીમભાઈ કનોજિયાએ તમામ મહેમાનો, વાલીઓ અને ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરતા કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.
યોગેશ કાનાબાર અમરેલી




