ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલ ખાતે વડોદરા પોલિટેકનિકના વિદ્યાર્થીઓ માટે ‘પ્રાકૃતિક કૃષિ તાલીમ’ યોજાઈ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૫.૬.૨૦૨૬
ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના માનનીય કુલપતિ પ્રો. ડૉ. સી. કે. ટીંબડીયાની પ્રેરણાથી યુનિવર્સિટી કેમ્પસ, હાલોલ ખાતે એક દિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU), વડોદરાની પોલિટેકનિક કોલેજના YUVA Tourism Club (Ministry of Tourism) ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ કાર્યક્રમનું આયોજન વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. આર. એ. ગુર્જરના માર્ગદર્શન હેઠળ મદદનીશ પ્રાધ્યાપક ડૉ. રાજેશ કે. પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં કુ. ભૂમિ કેશવાલા તથા દિવ્યેશભાઈ પુરોહિતે મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો.પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતોની વિસ્તૃત માહિતી કાર્યક્રમના પ્રારંભે ડૉ. રાજેશ કે. પંચાલે વિદ્યાર્થીઓનું સ્વાગત કરી યુનિવર્સિટીની સ્થાપનાનો હેતુ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનો પરિચય આપ્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને:દેશી ગાય આધારિત કૃષિ પદ્ધતિ અને તેના મૂળભૂત સિદ્ધાંતો,જમીનના સ્વાસ્થ્યનું સંવર્ધન અને જૈવિક વૈવિધ્યનું મહત્વ,પર્યાવરણ સંરક્ષણ તેમજ ટકાઉ કૃષિ વિકાસમાં પ્રાકૃતિક ખેતીની ભૂમિકા અંગે વિસ્તૃત માહિતી આપી હતી.લાઈવ ડેમોન્સ્ટ્રેશન અને ફાર્મ વિઝીટ તાલીમ દરમિયાન વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના પ્રાકૃતિક ખેતી ફાર્મની મુલાકાત કરાવાઈ હતી. જ્યાં વિવિધ નિદર્શન પ્લોટ, બાયો-ઇનપુટ્સની તૈયારી, પાક વ્યવસ્થાપન તેમજ સંશોધન આધારિત પ્રયોગોનું જીવંત નિદર્શન કરાવી પ્રાયોગિક અનુભવ પૂરો પાડવામાં આવ્યો હતો.કુલપતિનો વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ અને પ્રેરણા કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ત્યારે બન્યું જ્યારે યુનિવર્સિટીના કુલપતિ પ્રો. (ડૉ.) સી. કે. ટીંબડીયા સ્વયં ફાર્મ પર વિદ્યાર્થીઓ સાથે જોડાયા હતા. તેમણે વિદ્યાર્થીઓની સાથે રહીને ‘જીવામૃત’ તૈયાર કરવાની સમગ્ર પ્રક્રિયાનું પ્રાયોગિક નિદર્શન કરાવ્યું હતું.”જમીનની ફળદ્રુપતા, સૂક્ષ્મજીવોની સક્રિયતા અને પાકની તંદુરસ્તી જાળવવામાં જીવામૃત અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.કુલપતિએ જીવામૃતના ઘટકો અને તેની વૈજ્ઞાનિક ઉપયોગિતા વિશે સરળ ભાષામાં સમજણ આપી વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો, જે યુવાનો માટે ખૂબ જ પ્રેરણાદાયી રહ્યો હતો.પ્રશ્નોત્તરી સત્ર દરમિયાન વિદ્યાર્થીઓની મૂંઝવણોનું સંતોષકારક સમાધાન કરવામાં આવ્યું હતું. તાલીમના અંતે યુવા વિદ્યાર્થીઓએ પ્રાકૃતિક ખેતીને પર્યાવરણમૈત્રી, ઓછી ખર્ચાળ અને ટકાઉ પદ્ધતિ તરીકે અપનાવવા પ્રત્યે ભારે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. આયોજકોના જણાવ્યા અનુસાર, આ તાલીમથી યુવાનોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવાના યુનિવર્સિટીના પ્રયાસોને વધુ વેગ મળ્યો છે.












