MORBI:મોરબી તાજિયા જોઈને પરત ફરતા રીક્ષા ચાલક અને તેના મિત્ર પર છરી વડે જીવલેણ હુમલો




MORBI:મોરબી તાજિયા જોઈને પરત ફરતા રીક્ષા ચાલક અને તેના મિત્ર પર છરી વડે જીવલેણ હુમલો

મોરબીના વીશીપરા વિસ્તારમાં મોડી રાત્રે સરેઆમ હિંસક હુમલાની ઘટના સામે આવી છે. તાજિયા જોઈને મિત્ર સાથે ઘરે પરત ફરી રહેલા એક ૧૮ વર્ષીય રીક્ષા ચાલક યુવક અને તેના મિત્ર પર જૂની અદાવતનો ખાર રાખીને ત્રણ શખ્સોએ છરી વડે હિચકારો હુમલો કર્યો હતો. આ અંગે ભોગ બનનાર યુવકે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મોરબીના વીસીપરા મેઇન રોડ પર આવેલ ચાર ગોડાઉન પાછળ રહેતા અને રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતા ઈકબાલ રફીકભાઈ દાવલીયા (ઉ.વ.૧૮) તેના મિત્ર લક્કી કોળી સાથે તાજિયા જોઈને મોડી રાત્રે રીક્ષા લઈને ઘરે પરત ફરી રહ્યા હતા.તે દરમિયાન વીશીપરા વિસ્તારમાં જ આરોપીઓ હોંડા મોટરસાયકલ પર ધસી આવ્યા હતા. અગાઉ લક્કી કોળી સાથે થયેલી માથાકૂટની જૂની અદાવત મનમાં રાખીને આરોપીઓએ લક્કી સાથે ઝઘડો શરૂ કર્યો હતો. આ સમયે અન્ય એક આરોપી પણ એક્ટિવા લઈને ત્યાં પહોંચ્યો હતો અને મામલો બિચક્યો હતો.
જ્યારે આ ઝઘડો ઉગ્ર બન્યો, ત્યારે ઈકબાલ રફીકભાઈ દાવલીયા પોતાના મિત્રને બચાવવા માટે વચ્ચે પડ્યા હતા. ઈકબાલ વચ્ચે પડતા જ ઉશ્કેરાયેલા આરોપીઓએ તેમના પર છરી વડે હિંસક હુમલો કરી દીધો હતો. ઈકબાલને ડાબા હાથના ભાગે અલગ-અલગ જગ્યાએ છરીના ગંભીર ઘા મારી દેવામાં આવ્યા હતા. હુમલો કર્યા બાદ આરોપીઓ જતા-જતા જાનથી મારી નાખવાની ધમકી આપીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.૧. રાહુલ ઉર્ફે બુસલી ભરતભાઈ સાલાણી (રહે. ખડીયા વીસીપરા, મોરબી) ૨. શંકર સુરેશભાઈ કોળી (રહે. ખડીયા વીસીપરા, મોરબી) ૩. સાહિલ કોળી (રહે. ખડીયા વીસીપરા, મોરબી) પોલીસે હિંસક ઘટના અંગે ભોગ બનનાર ઈકબાલ દાવલીયાએ ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને આરોપીઓને ઝડપી લેવા માટે કાયદેસરના ચક્રો ગતિમાન કર્યા છે.


