TANKARA:ટંકારાના ઘુનડા ગામે ‘બહેન કેમ વારંવાર રીસામણે આવે છે’ કહી યુવકને કાર આડી નાખી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી




TANKARA:ટંકારાના ઘુનડા ગામે ‘બહેન કેમ વારંવાર રીસામણે આવે છે’ કહી યુવકને કાર આડી નાખી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી

ટંકારા તાલુકાના ઘુનડા (સ) ગામેથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં “તમારી બહેન કેમ વારંવાર રીસામણે આવે છે?” તેમ કહીને એક શખ્સે યુવકને ફોન પર ગાળો ભાંડી હતી. એટલું જ નહીં, ત્યારબાદ રસ્તામાં કાળા રંગની કાર આડી ધરી યુવકને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ટંકારા પોલીસ મથકે નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, ઘુનડા (સ) ગામે રહેતા ૨૧ વર્ષીય મોમૈયાભાઈ નારણભાઈ ખટાણાએ મોરબી તાલુકાના શનાળા ગામે રહેતા આરોપી બુટેશભાઈ ધનજીભાઈ ટમારીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપી બુટેશભાઈએ ફરિયાદી મોમૈયાભાઈને ફોન કરીને “તમારી બહેન કેમ અવારનવાર રીસામણે આવે છે?” તેમ કહીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી. સાથે જ એવી ધમકી પણ આપી હતી કે, “જો તું મને ગમે ત્યાં ભેગો થઈશ, તો હું તને મારી નાખીશ.”ફોન પર ધમકી આપ્યા બાદ આરોપી એટલેથી જ અટક્યો ન હતો. તે પોતાની કાળા રંગની ફોરવ્હીલ ગાડી લઈને ઘુનડા (સ) ગામના રસ્તા પાસે પહોંચી ગયો હતો. ત્યાં તેણે ફરિયાદીની ગાડી આગળ પોતાની કાર આડી નાખી તેને રોક્યો હતો અને છરી બતાવીને જાનથી મારી નાખવાની લાઈવ ધમકી આપી હતી.આ ચકચારી ઘટના અંગે ભોગ બનનાર યુવકે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી બુટેશભાઈ ટમારીયા વિરૂદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે અને આગળની તપાસ હાથ ધરી છે.


