
નર્મદા: વરસાદી વાવાઝોડા વચ્ચે ૧૦૮ની ટીમ બની ૭૫ વર્ષીય દાદી માટે જીવનદૂત
રસ્તા પર મોટા પથ્થરો, કાદવ અને વહેતા નાળાને પાર કરી સર્પદંશ પીડિત વૃદ્ધાને સમયસર સારવાર અપાવી જીવ બચાવ્યો
રાજપીપળા : જુનેદ ખત્રી
“જ્યાં આશા ધૂંધળી પડે છે, ત્યાં ૧૦૮ની સાઇરન આશાનું કિરણ બનીને પહોંચે છે.” નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં બનેલી આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે, ગુજરાત સરકારની ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા માત્ર એક સેવા નથી, પરંતુ સંકટની ઘડીએ જીવન બચાવતી વિશ્વાસની ડોર છે.

તા. ૨૬ જૂન, ૨૦૨૬ના રોજ વહેલી સવારે ૫:૨૧ કલાકે ૧૦૮ ઇમરજન્સી કંટ્રોલ રૂમને દેડિયાપાડા તાલુકાના પાનખલા ગામમાંથી જાણ કરવામાં આવી કે ૭૫ વર્ષીય જેઠુબેન છાણીયાભાઈ વસાવાને સર્પદંશ થયો છે અને તેમની સ્થિતિ ગંભીર છે.
કોલ મળતાં જ મોઝદા સ્થિત ૧૦૮ એમ્બ્યુલન્સના ઈમરજન્સી મેડિકલ ટેકનિશિયન (EMT) સુનિલભાઈ રાઠવા અને પાયલોટ મેહુલભાઈ વસાવા કોઈપણ વિલંબ કર્યા વગર ઘટનાસ્થળે જવા નીકળી પડ્યા. પરંતુ કુદરતે પણ તેમની હિંમતની કસોટી લીધી. સતત વરસતા વરસાદને કારણે રસ્તા પર મોટા પથ્થરો, ધરાશાયી થયેલા વૃક્ષો અને કાદવના થર જામી ગયા હતા. અનેક જગ્યાએ નાળાઓમાં પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે વાહન આગળ લઈ જવું જોખમી બની ગયું હતું.
તેમ છતાં બંને કર્મચારીઓએ હાર માની નહીં. સ્થાનિક ગ્રામજનોની મદદથી રસ્તામાં આવેલા અવરોધો દૂર કરતાં તેઓ આગળ વધ્યા. પરંતુ પાનખલા અને વાઘઉંમર વચ્ચે આવેલા નાળામાં પાણીનો પ્રવાહ એટલો વધુ હતો કે એમ્બ્યુલન્સ આગળ લઈ જવી અશક્ય બની ગઈ.
આ દરમિયાન દર્દીના પરિવારજનો વૃદ્ધા જેઠુબેનને ઝોળીમાં સામેથી લઈને આવી રહ્યા હતા. ૧૦૮ની ટીમે તરત જ તેમની મદદ કરી, વૃદ્ધાને સુરક્ષિત રીતે એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યા અને માર્ગમાં જરૂરી પ્રાથમિક સારવાર આપતાં તેમને ઝડપથી મોઝદા આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચાડ્યા હતા. મોઝદા હોસ્પિટલમાં તબીબોએ તાત્કાલિક સારવાર આપી દર્દીને સ્થિર કર્યા બાદ વધુ સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા. હાલમાં તેમની તબિયત સુધારા પર છે અને સારવાર ચાલુ છે.
આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર દર્શાવ્યું છે કે ‘આપત્તિ, વરસાદ કે મુશ્કેલ ભૂગોળ’ કોઈપણ પરિસ્થિતિમાં ૧૦૮ની ટીમ પોતાની ફરજ પ્રત્યે અડગ રહી માનવજીવન બચાવવા માટે સતત કાર્યરત રહે છે. સમયસર મળેલી ૧૦૮ સેવાને કારણે એક અમૂલ્ય જીવન બચી શક્યું.
ગુજરાત સરકારની ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા રાજ્યના લાખો નાગરિકો માટે સંકટ સમયે આશાનો આધારસ્તંભ બની રહી છે. આવી સેવાભાવી અને નિષ્ઠાવાન ટીમો સમાજ માટે સાચા અર્થમાં “જીવનદૂત” સાબિત થઈ રહી છે



