KALOL(Panchamahal)PANCHMAHAL

૭ દિવસની રજા પર આવેલો પાકા કામનો કેદી રફુચક્કર: કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ.

 

તારીખ ૨૭/૦૬/૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

વડોદરા મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહેલો એક પાકા કામનો કેદી નામદાર ગુજરાત હાઇકોર્ટમાંથી મંજૂર થયેલી પેરોલ રજા પૂર્ણ થયા બાદ જેલમાં નિયત સમયે હાજર ન થઈને ફરાર થઈ ગયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ અંગે વડોદરા મધ્યસ્થ જેલના જ્યુડીશીયલ જેલર દ્વારા પંચમહાલના કાલોલ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે.મળતી માહિતી અનુસાર, પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના મધવાસ (નવી નગરી) ગામનો વતની રમેશભાઈ મનુભાઈ નાયક (પાકા કામના કેદી નંબર: ૮૯૦૩૮) કાલોલ પોલીસ સ્ટેશનના વર્ષ ૨૦૨૨ના એક ગુનામાં આઇ.પી.સી. કલમ ૩૦૪(૨) હેઠળ હાલોલ સેસન્સ કોર્ટ દ્વારા ૧૧ માર્ચ, ૨૦૨૫ના રોજ ૭ વર્ષની કેદ અને રૂપિયા ૧,૦૦૦ના દંડની સજા પામ્યો હતો. આ સજાના ભાગરૂપે તે વડોદરા મધ્યસ્થ જેલમાં બંધ હતો.દરમિયાન, આરોપી કેદીએ નામદાર ગુજરાત હાઇકોર્ટમાં પેરોલ રજા માટે અરજી કરી હતી. હાઇકોર્ટના હુકમ (સ્પે.ક્રિમી.એપ્લી. નં. ૬૨૬૯/૨૦૨૬) અનુસાર તેને ૭ મે, ૨૦૨૬ના રોજ ૭ દિવસની પેરોલ રજા પર મુક્ત કરવામાં આવ્યો હતો. રજાની શરતો મુજબ, કેદીએ પોતાની રજા પૂર્ણ થતાં ૧૫ મે, ૨૦૨૬ના રોજ સાંજે જેલબંધી પહેલા વડોદરા મધ્યસ્થ જેલ ખાતે અચૂક હાજર થવાનું હતું. પરંતુ નિયત સમય મર્યાદા વીતી જવા છતાં કેદી જેલમાં હાજર થયો ન હતો અને પોતાની ધરપકડ ટાળવા માટે બારોબાર નાસી છૂટ્યો હતો.આ બાબતને ગંભીરતાથી લઈને વડોદરા મધ્યસ્થ જેલના જ્યુડીશીયલ જેલર જે.એમ. શામળ દ્વારા કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કાલોલ પોલીસે ધી પ્રિઝન્સ એક્ટની કલમ ૫૧ (૧) (બી) મુજબ નો.કો.ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે મધવાસ બીટના એ.એસ.આઈ. વધુ તપાસ ચલાવી રહ્યા છે અને ફરાર કેદીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

 

 

Back to top button
error: Content is protected !!