અમદાવાદના શેલા ખાતે ‘નિત્ય શાંતિ ભવન’નું લોકાર્પણ; આધ્યાત્મિકતા અને આધુનિકતાના સમન્વયનો આપ્યો સંદેશ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદના શેલા વિસ્તારમાં નવનિર્મિત ‘નિત્ય શાંતિ ભવન’ના લોકાર્પણ પ્રસંગે આધ્યાત્મિકતા, ભારતીય સંસ્કૃતિ અને માનવકલ્યાણના મૂલ્યોને કેન્દ્રસ્થાને રાખીને ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ મહોત્સવમાં મોટી સંખ્યામાં સંત-મહાત્માઓ, જૈન સમાજના અગ્રણીઓ, શ્રાવક-શ્રાવિકાઓ અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
લોકાર્પણ બાદ મુખ્યમંત્રીએ ભવનના જિન-ચૈત્યમાં બિરાજમાન પ્રાચીન મુનિસુવ્રતસ્વામી પ્રભુના દર્શન કરી રાજ્યની સુખાકારી, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. સમગ્ર કાર્યક્રમ રાષ્ટ્રસંત પદ્મસાગરસૂરિશ્વરજી મહારાજાની નિશ્રામાં ધાર્મિક વિધિ-વિધાન સાથે સંપન્ન થયો હતો. કાર્યક્રમમાં શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આજના ઝડપી આધુનિક યુગમાં ભૌતિક વિકાસ જેટલો જરૂરી છે, એટલો જ માનસિક શાંતિ અને આધ્યાત્મિક સમૃદ્ધિનો માર્ગ પણ મહત્વનો છે. આધ્યાત્મિકતા અને આધુનિકતાનો સમન્વય જ સમાજને સાચા અર્થમાં સુખી, સંસ્કારી અને સમૃદ્ધ બનાવી શકે છે. તેમણે જણાવ્યું કે આવા આધ્યાત્મિક કેન્દ્રો સમાજમાં મૂલ્યનિષ્ઠ જીવન, સેવા, સંયમ અને કરુણાની ભાવના વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
તેમણે જણાવ્યું કે દેશ આજે વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે અને સાથે સાથે પોતાની પ્રાચીન સંસ્કૃતિ, પરંપરા અને આધ્યાત્મિક વારસાને પણ સમાન મહત્વ આપી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને કારણે દેશના વિકાસમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સાંસ્કૃતિક વારસાના સંરક્ષણને પણ નવી દિશા મળી છે. તેમણે ઉમેર્યું કે ભારતીય સંસ્કૃતિના ગૌરવને વિશ્વ સમક્ષ વધુ મજબૂત રીતે રજૂ કરવાનો આ સમય છે.
મુખ્યમંત્રીએ જૈન સમાજના સેવા, અહિંસા અને જીવદયાના મૂલ્યોની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે જૈન પરંપરાએ સદીઓથી સમાજમાં માનવ સેવા, દાન અને પરોપકારની અનોખી પરંપરા જાળવી રાખી છે. પાલી અને પ્રાકૃત ભાષાઓને ક્લાસિકલ લેંગ્વેજનો દરજ્જો મળવાથી જૈન સાહિત્ય અને પ્રાચીન જ્ઞાનસંપદાના સંરક્ષણને નવી ગતિ મળી હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે ગાંધીનગર ખાતે તાજેતરમાં લોકાર્પિત સંપ્રતિ મ્યુઝિયમનો પણ ઉલ્લેખ કરી ભારતીય સાંસ્કૃતિક વારસાના સંવર્ધન માટે થઈ રહેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી.
ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે પાણીનું સંરક્ષણ, સ્વચ્છતા, સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન અને પ્રાકૃતિક ખેતી જેવા વિષયો માત્ર સરકારી અભિયાન નથી, પરંતુ દરેક નાગરિકના જીવનનો અભિન્ન ભાગ બનવા જોઈએ. સમાજમાં સકારાત્મક પરિવર્તન માટે આધ્યાત્મિક સંસ્થાઓ અને ધાર્મિક આગેવાનોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ હોવાનું તેમણે જણાવ્યું હતું. સંતોના આશીર્વાદ અને જનસહભાગિતાથી વિકસિત ભારત-૨૦૪૭નું સ્વપ્ન ચોક્કસપણે સાકાર થશે એવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
પદ્મસાગરસૂરિશ્વરજી મહારાજાએ પોતાના આશીર્વચનમાં દાન, ત્યાગ, સેવા અને જીવદયાના મૂલ્યોને જીવનમાં ઉતારવાની પ્રેરણા આપી હતી. તેમણે ઐતિહાસિક અને ધાર્મિક પ્રસંગોના ઉદાહરણો દ્વારા સમજાવ્યું હતું કે સંપત્તિનો સાચો ઉપયોગ જરૂરિયાતમંદોની સેવા, સમાજકલ્યાણ અને ધર્મકાર્યોમાં થાય ત્યારે જ જીવન સાર્થક બને છે. તેમણે ભૌતિક સમૃદ્ધિ સાથે આંતરિક શાંતિનું પણ મહત્વ સમજાવ્યું અને કર્મબંધનમાંથી મુક્તિ માટે સદાચાર, સમર્પણ અને કરુણાભાવને જીવનમાં અપનાવવાનો સંદેશ આપ્યો હતો.
નવનિર્મિત નિત્ય શાંતિ ભવન આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે આધુનિક સુવિધાઓથી સજ્જ કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવ્યું છે. ભવનમાં ભવ્ય જિનચૈત્ય ઉપરાંત સાધુ-સાધ્વીઓ માટે ઉપાશ્રય, વિશાળ વ્યાખ્યાન હોલ, આયંબિલશાળા, બાળકો અને યુવાનો માટે પાઠશાળા તથા જ્ઞાનશાળા, યાત્રાળુઓ માટે ધર્મશાળા તેમજ વિવિધ ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ માટે સુકૃતશાળાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ કેન્દ્ર આગામી સમયમાં ધાર્મિક શિક્ષણ, મૂલ્યનિષ્ઠ જીવનશૈલી અને સામાજિક સેવા માટે મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે વિકસશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન આધ્યાત્મિક અને સામાજિક મૂલ્યોને પ્રોત્સાહન આપતા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ઉપસ્થિત શ્રાવક-શ્રાવિકાઓએ આધ્યાત્મિક જીવનશૈલી, પર્યાવરણ સંરક્ષણ, જીવદયા અને સમાજસેવાના સંકલ્પો પણ લીધા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણ વચ્ચે મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ આ આધ્યાત્મિક પ્રસંગનો લાભ લીધો હતો.
આ પ્રસંગે આયોજક વોરા પરિવારના સભ્યો, રાષ્ટ્રીય વ્યાપાર કલ્યાણ બોર્ડના ચેરમેન સુનીલ સિંધી, વિવિધ જૈન સંઘોના અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, સામાજિક આગેવાનો તથા મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ભક્તિ, આધ્યાત્મિકતા અને સામાજિક એકતાના ભાવ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.







