TANKARA:ટંકારાના ઘુનડા (સ) ગામે કેબલ ચોરીનો પ્રયાસ નિષ્ફળ: પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલો




TANKARA:ટંકારાના ઘુનડા (સ) ગામે કેબલ ચોરીનો પ્રયાસ નિષ્ફળ: પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલો

“૧૦ વર્ષથી ફરિયાદ છતાં પોલીસ મૌન”: ઘુનડા (સ) ગામે કેબલ ચોરી રોકવા ગ્રામજનોએ કરવો પડ્યો રાત ઉજાગરો!
ટંકારા તાલુકાના ઘુનડા (સ) ગામે અવારનવાર થતી કેબલ ચોરીની ઘટનાઓ વચ્ચે ગત રાત્રે ચોરોએ વધુ એક વખત તસ્કરીનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ વખતે ગ્રામજનોની સતર્કતા ભારે પડી હતી. ગ્રામજનો જાગી જતાં ચોરી કરવા આવેલા શખ્સો પોતાનો તમામ મુદ્દામાલ અને વાહનો ઘટનાસ્થળે જ મૂકીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા.

સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાત્રિના સમયે તસ્કરો કેબલ ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે ગ્રામજનોને આ અંગેની ભનક લાગી ગઈ હતી. લોકોએ એકઠા થઈને ચોરોને પકડવા માટે દોડધામ આદરી હતી. ગ્રામજનોનો ઘેરો વધતો જોઈ ગભરાયેલા ચોરો ચોરી કરેલો કેબલ, એક રિક્ષા, એક મોટરસાયકલ અને પોતાનો મોબાઈલ ફોન પણ ઘટનાસ્થળે જ છોડીને નાસી છૂટ્યા હતા. ગ્રામજનોએ આ તમામ મુદ્દામાલ પોતાના કબજામાં લીધો છે.
“૧૦ વર્ષથી ફરિયાદ કરીએ છીએ પણ પોલીસ નિષ્ક્રિય” : ગ્રામજનોનો આક્રોશ આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં પોલીસ તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે:”અમે છેલ્લા ૧૦ વર્ષથી આ વિસ્તારમાં થતી કેબલ ચોરીઓ અંગે ટંકારા પોલીસને રજૂઆતો અને ફરિયાદો કરીએ છીએ. આમ છતાં, પોલીસ દ્વારા આજદિન સુધી કોઈ નક્કર કે કડક કાર્યવાહી કરવામાં આવી નથી. પોલીસની આ નિષ્ક્રિયતાના કારણે જ તસ્કરોના હોસલા બુલંદ થયા છે.”

ટંકારા પોલીસની કામગીરી સામે સવાલ, ગ્રામજનો કરવા મજબૂર બન્યા રાત ઉજાગરા નવાઈની વાત એ છે કે, જે કામગીરી પોલીસની હોવી જોઈએ તે કામગીરી હવે ગ્રામજનોએ જાતે કરવી પડી રહી છે. કિંમતી કેબલ અને ખેતીના સાધનોની ચોરી રોકવા માટે ગામના લોકોને જ રાત ઉજાગરા કરીને ચોકીદારી કરવી પડે છે. સ્થાનિકોની સતર્કતાના કારણે આજે મોટી ચોરી ટળી છે અને ચોરોનો સામાન પકડાયો છે, ત્યારે હવે ટંકારા પોલીસ આ મામલે કેવા પગલાં ભરે છે અને ફરાર તસ્કરોને ક્યારે જેલના સળિયા પાછળ ધકેલે છે તે જોવું રહ્યું.



