HALVAD:હળવદના ઢવાણા ગામે જૂની અદાવતમાં યુવક પર હુમલો: કોર્ટ કેસ પાછો ખેંચવા દબાણ કરી જીવલેણ ધમકી




HALVAD:હળવદના ઢવાણા ગામે જૂની અદાવતમાં યુવક પર હુમલો: કોર્ટ કેસ પાછો ખેંચવા દબાણ કરી જીવલેણ ધમકી

હળવદ તાલુકાના ઢવાણા ગામે જૂના ઝઘડા અને કોર્ટ કેસની અદાવત રાખીને એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ભોગ બનનાર યુવકે બે શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, ઢવાણા ગામે રહેતા અને ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતા વિશાલભાઈ વેરશીભાઈ દુધરેજીયા (ઉ.વ.૨૪) એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી મેહુલભાઈ સુરેશભાઈ છોગાળા અને રમેશભાઈ ઠાકરશીભાઈ છોગાળા (બંને રહે. ઢવાણા) સાથે તેમનો જૂનો ઝઘડો ચાલતો હતો.
ફરિયાદીના જણાવ્યા મુજબ, આરોપી મેહુલભાઈએ વિશાલભાઈને તેમના પિતાના મરણના કેસમાં ચાલી રહેલો ખૂનનો કેસ પાછો ખેંચવા માટે દબાણ કર્યું હતું. જોકે, વિશાલભાઈએ કેસ પાછો ખેંચવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ બાબતે ઉશ્કેરાયેલા આરોપી રમેશભાઈએ ફરિયાદીને બિભત્સ ગાળો આપી હતી. જ્યારે વિશાલભાઈએ ગાળો બોલવાની ના પાડી ત્યારે મામલો ઉગ્ર બન્યો હતો. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, રમેશભાઈએ ફરિયાદીના પગના ભાગે ધોકા વડે ફટકો મારી મુંઢ ઈજા પહોંચાડી હતી. આ સાથે જ મેહુલભાઈએ પણ પોતાના હાથમાં રહેલા હથિયારથી ફરિયાદીના હાથ પર ઘા માર્યા હતા. આટલું જ નહીં, બંને આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.આ બનાવ અંગે વિશાલભાઈ દુધરેજીયાએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા અને કાયદેસરની તપાસ હાથ ધરી છે.


