MORBI:મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક યોજાઈ




MORBI:મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક યોજાઈ

પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા કલેક્ટરશ્રીની તાકીદ; કચેરીઓમાં ‘ઇ-સરકાર’ પોર્ટલનો મહત્તમ ઉપયોગ કરવા સૂચના

મોરબી જિલ્લાના વહીવટી તંત્રને વધુ સુદ્રઢ, પારદર્શક અને લોકાભિમુખ બનાવવાના આશય સાથે જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રજાલક્ષી સેવાઓ, વહીવટી સુધારણા અને સરકારી યોજનાઓના સુચારુ અમલીકરણ અંગે સકારાત્મક અને વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેએ ‘સ્વાગત ઓનલાઇન પોર્ટલ’ પર પડતર રહેલી અરજીઓ, જન્મ તારીખના દાખલા આપવામાં થતો વિલંબ અને ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીના વિતરણને લગતી સમસ્યાઓ અંગે ઝીણવટભરી સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને આ પ્રશ્નો અગ્રતાના ધોરણે ઉકેલવા નિર્દેશ આપ્યા હતા.
કલેક્ટરશ્રીએ ડિજિટલાઇઝેશનને વેગ આપવા તમામ કચેરીઓને ‘ઇ-સરકાર’ પ્રણાલી અપનાવવા જણાવ્યું હતું, જેની પેન્ડન્સીની નિયમિત સમીક્ષા કરવામાં આવશે. વહીવટી તંત્રના સંવેદનશીલ અભિગમને ઉજાગર કરતા તેમણે નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન કેસની કામગીરી સત્વરે પૂર્ણ કરવા અને કચેરીઓમાં આવતી તમામ અરજીઓનો સમયમર્યાદામાં હકારાત્મક નિકાલ કરવા કડક સૂચના આપી હતી. ગામડાઓની મુલાકાત બાદ અધિકારીઓએ આપેલ અહેવાલની પણ સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી હતી.

આ બેઠકમાં ટંકારાના ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિદ્યાસાગર, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મુકેશ પટેલ, નાયબ વન સંરક્ષકશ્રી ડૉ. સુનિલકુમાર બેરવાલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી એસ.જે. ખાચર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નવલદાન ગઢવી સહિત જિલ્લાના વહીવટી અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.



