મહેલોલમાં તસ્કરોનો તરખાટ: ઘર અને સંસ્થાઓ મળી 5 સ્થળે તાળાં તૂટ્યા,1.96 લાખની ચોરી.

તારીખ ૨૯/૦૬/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાના વેજલપુર પોલીસ સ્ટેશન હેઠળ આવતા મહેલોલ ગામમાં શનિવાર અને રવિવારની મધ્યરાત્રિએ અજાણ્યા તસ્કરોએ ભારે આતંક મચાવ્યો છે. ચોર ટોળકીએ ગામમાં એક સામટી ૫ જગ્યાઓને નિશાન બનાવી કુલ રૂપિયા ૧,૯૬,૬૦૦/- ના મત્તાની ઘરફોડ ચોરી કરી પલાયન થઈ જતાં પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ અંગે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ ૩૩૧(૪) અને ૩૦૫ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં 1. ફરિયાદીના બંધ મકાનમાંથી રૂ. ૬૬,૬૦૦ની ચોરી મહેલોલ ગામમાં શ્રી જી.ડી. શાહ એન્ડ જે.આઈ. પંડ્યા હાઈસ્કૂલની સામે રહેતા અને હાલ કાલોલ ખાતે ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા ધર્મેશકુમાર ચીમનભાઈ પટેલ (ઉં.વ. ૪૩) ના માતા-પિતા બે દિવસથી વડોદરા ગયા હતા. તેમનું મકાન બંધ હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી, તિજોરીમાંથી: આશરે ૨૦ ગ્રામ સોનાની ૨ બંગડી (કિંમત રૂ. ૪૦,૦૦૦/-) સોનાની કાનની બુટ્ટીની ૬ જોડી (કિંમત રૂ. ૫,૦૦૦/-)ચાંદીની ૩ નાની ગણપતિની મૂર્તિ અને ૯ ચાંદીના સિક્કા (કિંમત રૂ. ૧,૬૦૦/-) રોકડા રૂપિયા ૨૦,૦૦૦/- ની ચોરી કરી હતી. 2. હાઈસ્કૂલ અને પાડોશીના ઘરને પણ નિશાન બનાવ્યું તસ્કરોએ માત્ર ફરિયાદીના ઘરને જ નહીં, પરંતુ તેની આસપાસની મિલકતોને પણ નિશાન બનાવી હતી: શ્રી જી.ડી. શાહ એન્ડ જે.આઈ. પંડ્યા હાઈસ્કૂલ: શાળાના કોમ્પ્યુટર રૂમ તેમજ ઉપરના માળે આવેલા પ્રાર્થના હોલનું તાળું તોડવામાં આવ્યું હતું.વૈકુંઠ સોસાયટી: હાઈસ્કૂલની બાજુમાં આવેલી સોસાયટીમાં રહેતા સાહેદ મહેશભાઈ ડાહ્યાભાઈ પરમારના મકાનના દરવાજાનું તાળું પણ તસ્કરોએ તોડ્યું હતું. 3. બ્રહ્મા કુમારી સંસ્થા અને અન્ય મકાનમાંથી રૂ. ૧.૩૦ લાખની મત્તા સાફ,ગામના પી.એચ.સી. દવાખાનાની સામે આવેલી કૈવલ સોસાયટીમાં પણ ચોરોએ હાથફેરો કર્યો હતો: બ્રહ્મા કુમારી વિશ્વ વિદ્યાલય સંસ્થા: આ સંસ્થાના મકાનનું તાળું તોડી અંદરથી ૩ નંગ દાનપેટી, નર નારાયણના સિક્કા વાળા સોનાના મેડલ, ભગવાનના પ્રસાદ માટેની ચાંદીની વાટકી, લોટી, ચમચી અને રોકડા રૂપિયા મળી કુલ રૂ. ૫૦,૦૦૦/- ની ચોરી થઈ હતી.અરવિંદભાઈ રાઠવા નાઓનું મકાન,સંસ્થાની બાજુમાં જ રહેતા અરવિંદભાઈ બલુભાઈ રાઠવાના બંધ મકાનનું તાળું તોડી અંદરથી ૧ સોનાની ચેઈન અને ૧ સોનાની વીંટી (કિંમત રૂ. ૪૦,૦૦૦/-) તથા રોકડા રૂ. ૪૦,૦૦૦/- મળી કુલ રૂ. ૮૦,૦૦૦/- ની મત્તા ચોરાઈ ગઈ હતી. જ્યાં રવિવારે સવારે આસપાસના રહીશો દ્વારા તાળાં તૂટ્યા હોવાની જાણ થતાં ફરિયાદી ધર્મેશકુમાર મહેલોલ દોડી આવ્યા હતા અને વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વેજલપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એલ એફ કટારા એ આ મામલે ગુનો નોંધી અજાણ્યા ચોર ઈસમોને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.







