
માઁ હરસિદ્ધિ શક્તિ પીઠ, લાડોલ ખાતે જેઠ સુદ પુનમે ભક્તોનો માનવ મહેરામણ ઉમટ્યો

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
જેઠ સુદ પુનમના પાવન અવસરે લાડોલ સ્થિત પ્રસિદ્ધ માઁ હરસિદ્ધિ શક્તિ પીઠ ખાતે ભક્તોનો વિશાળ માનવ મહેરામણ ઉમટ્યો હતો. વહેલી સવારથી જ માતાજીના દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી તેમજ આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના ચરણોમાં વંદન કરવા પહોંચ્યા હતા.
મંદિર પરિસરમાં ધાર્મિક અને ભક્તિમય વાતાવરણ વચ્ચે હજારો ભક્તોએ માઁ હરસિદ્ધિના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.મંદિર ના મહંત મહારાજ અશ્વિનભાઈ જાની અને વિશ્વાસ ભાઈ જાની એ માતાજી ની પૂજા અર્ચના કરી હતી.મંદિર માં આવનાર શ્રધ્ધાળુઓ ને આર્શીવાદ આપ્યા હતા. તેમજ મંદિર ટ્રસ્ટ અને સેવાભાવી કાર્યકરો દ્વારા ભક્તોની સુવિધા માટે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર દિવસ દરમિયાન માતાજીના જયઘોષથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.
આ પ્રસંગે આયોજિત મહાપ્રસાદમાં પણ મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. હજારો શ્રદ્ધાળુઓએ ભોજન પ્રસાદનો લાભ મેળવી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સુવ્યવસ્થિત આયોજન અને સેવાભાવી કાર્યકરોની કામગીરીને ભક્તોએ બિરદાવી હતી. જેઠ સુદ પુનમના આ પવિત્ર અવસરે યોજાયેલ આ ધાર્મિક મેળાવડાએ ભક્તિ, શ્રદ્ધા અને સેવાભાવનો અનોખો સંદેશ આપ્યો હતો.




