TANKARA:: ખેડૂતોની સંમતિ વિના વીજ લાઇન નાખવાની કામગીરી સામે ટંકારા કોંગ્રેસ મેદાને, મામલતદારને સોંપાયું આવેદનપત્ર




TANKARA:: ખેડૂતોની સંમતિ વિના વીજ લાઇન નાખવાની કામગીરી સામે ટંકારા કોંગ્રેસ મેદાને, મામલતદારને સોંપાયું આવેદનપત્ર

મોરબી જિલ્લામાં ખાનગી વીજ કંપની દ્વારા ખેડૂતોની ખેતીલાયક જમીનમાં તેમની લેખિત સંમતિ વગર હેવી વીજ લાઇન પસાર કરવા અને થાંભલા ઊભા કરવા સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જગતના તાતના આ ન્યાયસંગત હકની લડતમાં હવે કોંગ્રેસ પણ મેદાને આવી છે. ટંકારા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના હિતમાં મામલતદારને એક આવેદનપત્ર પાઠવી તાત્કાલિક યોગ્ય પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

ખેડૂતોની સહમતિ વિના કામગીરીનો આક્ષેપ – ટંકારા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોક સંધાણી અને મહામંત્રી દુષ્યંત ભૂત દ્વારા તંત્રને સોંપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે, ખાનગી કંપની દ્વારા ખેડૂતોની મંજૂરી વિના જ જમીનમાં હેવી વીજ લાઇનના થાંભલા ઊભા કરવાની કામગીરી ચાલી રહી છે. આ મનસ્વી કામગીરીને કારણે સ્થાનિક ખેડૂતોમાં પોતાની આજીવિકા સમાન જમીનને લઈને ભારે ચિંતા અને અસંતોષ વ્યાપ્યો છે.કોંગ્રેસ સમિતિ દ્વારા રજૂ કરવામાં આવેલી મુખ્ય માંગણીઓ: બજાર કિંમતનું ચાર ગણું વળતર: અસરગ્રસ્ત ખેડૂતોને જંત્રીના આધારે નહીં, પરંતુ તેમની જમીનની વાસ્તવિક બજાર કિંમત ધ્યાને રાખીને તેના ચાર ગણા વળતરની ચૂકવણી કરવામાં આવે.પ્રતિ થાંભલા 2 કરોડ વળતર: જે ખેડૂતોની કિંમતી જમીનમાં હેવી વીજ લાઇનના થાંભલા ઊભા કરવામાં આવે, તેમને નુકસાની પેટે પ્રતિ થાંભલા રૂપિયા ૨ કરોડનું વળતર ચૂકવવામાં આવે.
માસિક ભાડું ચૂકવવાની માંગ: અથવા તો વીજ લાઇન અને થાંભલાના કારણે જમીનનો જે સતત ઉપયોગ થવાનો છે, તેના બદલામાં અસરગ્રસ્ત ખેડૂતોને દર મહિને યોગ્ય ભાડું આપવામાં આવે. ખેડૂતોની લેખિત મંજૂરી વગર તેમની જમીન પર કોઈ પણ પ્રકારની કામગીરી ન કરવા દેવામાં આવે.કોંગ્રેસ સમિતિએ વહીવટી તંત્ર પાસે માંગ કરી છે કે આ તમામ ન્યાયસંગત માંગણીઓ સ્વીકારીને ખેડૂતોને તાત્કાલિક ન્યાય અપાવવામાં આવે. જો ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે, તો આગામી સમયમાં આ આંદોલન વધુ ઉગ્ર બની શકે છે.



