કાલોલના ASI રંગીતસિંહ ચૌહાણ 32 વર્ષની નિષ્ઠાપૂર્વક ફરજ બાદ નિવૃત્ત:પોલીસ સ્ટાફે ભવ્ય વિદાય આપી.

તારીખ ૩૦/૦૬/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ પોલીસ સ્ટેશનમાં આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI) તરીકે ફરજ બજાવતા રંગીતસિંહ ચૌહાણ વય મર્યાદાના કારણે નિવૃત્ત થતાં કાલોલ પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં એક ભવ્ય અને ભાવસભર વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ વિભાગમાં ૩૨ વર્ષની લાંબી અને નિષ્ઠાપૂર્વકની સેવાઓ આપી નિવૃત્ત થઈ રહેલા રંગીતસિંહને વિદાય આપવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા
આ વિદાય સમારંભમાં કાલોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી.ભરવાડ અને સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા રંગીતસિંહની કર્તવ્યનિષ્ઠા અને પ્રશંસનીય સેવાઓને મુક્ત કંઠે બિરદાવવામાં આવી હતી. પીઆઈ આર.ડી.ભરવાડ દ્વારા રંગીતસિંહને શાલ ઓઢાડી, સ્મૃતિભેટ અર્પણ કરી અને પુષ્પહાર પહેરાવીને ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સહુ કોઈએ તેમના આગામી નિવૃત્ત જીવન માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિની શુભેચ્છાઓ પાઠવી હતી.પોતાની ૩૨ વર્ષની દીર્ઘકાલીન અને યાદગાર પોલીસ સેવા પૂર્ણ કરી નિવૃત્ત થઈ રહેલા એએસઆઈ રંગીતસિંહ ચૌહાણે આ પ્રસંગે ભાવુક બનીને પોતાના કાર્યકાળ દરમિયાનના ખાટી-મીઠી યાદો અને સંસ્મરણો વાગોળ્યા હતા. તેમણે સહકર્મચારીઓ અને જનતા તરફથી મળેલા સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે કાલોલ પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત રંગીતસિંહના કુટુંબીજનો, મિત્રો, શુભેચ્છકો તેમજ મોટી સંખ્યામાં નગરજનો અને સંણસોલી ગામના નાગરિકો ખાસ હાજર રહી કાર્યક્રમને શોભાવ્યો હતો. સમગ્ર વાતાવરણ ભક્તિ અને સન્માનના ભાવથી ભરાઈ ગયું હતું.








