THARADVAV-THARAD

વીજ ટાવર લાઇનના યોગ્ય વળતરની માંગ સાથે થરાદમાં કોંગ્રેસનું આંદોલન

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

oplus_0

 

થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિના નેતૃત્વમાં ખેતરોમાંથી પસાર થતી વીજ ટાવર લાઇન અને વીજ થાંભલાઓથી અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર મળે તેમજ રાજ્ય સરકાર વીજ ટાવર લાઇન માટે સ્પષ્ટ અને ખેડૂત હિતની નીતિ ઘડે તેવી માંગ સાથે સોમવારે વિરોધ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

બાબાસાહેબ આંબેડકર પ્રતિમા ચોક ખાતે કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થયા હતા. અહીં વિરોધ પ્રદર્શન કર્યા બાદ રેલી સ્વરૂપે મામલતદાર કચેરી પહોંચીને રાજ્ય સરકારને સંબોધીને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું.

આવેદનપત્રમાં જણાવાયું હતું કે રાજ્યમાં ખાનગી વીજ કંપનીઓ દ્વારા સૌર ઊર્જા અને પવન ઊર્જાના પ્રકલ્પો માટે વીજ ટાવર લાઇનનું કામ ચાલી રહ્યું છે. જોકે હાલની વળતર નીતિ ખેડૂતો માટે પૂરતી ન્યાયસંગત નથી. કોંગ્રેસે અસરગ્રસ્ત ખેડૂતોને બજાર કિંમત અથવા જંત્રીના ચાર ગણું વળતર ચૂકવવા, ટાવર અને વાયર માટે યોગ્ય વળતર નક્કી કરવા, જમીન સંપાદન કાયદા-2013 મુજબ વળતર આપવાની વ્યવસ્થા કરવા તેમજ ખેતીને ઓછું નુકસાન થાય તે રીતે રૂટ મેપ નક્કી કરવાની માંગ કરી છે.

આ ઉપરાંત, રૂટ મેપ નક્કી કરતાં પહેલાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની મંજૂરી ફરજિયાત બનાવવી, જાહેરનામામાં સર્વે નંબરનો સમાવેશ કરવો, શક્ય હોય ત્યાં અંડરગ્રાઉન્ડ કેબલ દ્વારા વીજ ટ્રાન્સમિશનની નીતિ બનાવવી તથા ખેડૂતોના હિતોને સુરક્ષિત કરતી સ્પષ્ટ નીતિ જાહેર કરવાની પણ માંગ કરવામાં આવી છે.

આ પ્રસંગે મહિલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન નાઈ, કોંગ્રેસના આગેવાન આંબાભાઈ સોલંકી સહિત અન્ય આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસે ચેતવણી આપી હતી કે જો સરકાર ખેડૂતોની માંગણીઓ અંગે યોગ્ય નિર્ણય નહીં લે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

 

 

 

Back to top button
error: Content is protected !!