દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જન કલ્યાણ શિબિરોના માધ્યમથી મહિલા અને બાળ અધિકારીની કચેરીની વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ કરાયું

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ તા. 12 થી 20જૂન, 2026 દરમિયાન વિવિધ ગામોમાં જન કલ્યાણ શિબિરનું “૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના, જન કલ્યાણના” અને વિકસિત ભારત સંકલ્પ@૨૦૨૭ની ઉજવણીરૂપે જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
જન કલ્યાણ શિબિરનું આયોજન ગામોમાં મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા ભાણવડ, ઠાકર શેરડી, રાવલ, બાકોડી, ભાટીયા, ટાઉનહોલ-ખંભાળિયા, વેરાડ અને રાણ ખાતે આયોજિત જન કલ્યાણ શિબિરોમાં મહિલાઓ અને બાળાઓના સર્વાંગી વિકાસ માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા.
આ શિબિરોમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયા, ધારાસભ્ય મુળુભાઈ બેરા તેમજ જિલ્લાના અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહી લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓના લાભો અર્પણ કર્યા હતા. ઉપરાંત જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા વહાલી દીકરી યોજના અંતર્ગત કુલ ૩૩ દીકરીઓના “દીકરી વધામણા કીટ” કાર્યક્રમો યોજાયા અને આ યોજનાના લાભાર્થીઓને કુલ ૧૩૪ વહાલી દીકરી હુકમોનું વિતરણ કરવામાં આવ્યું તેમજ ૫૯ પરિવારોને વહાલી દીકરી યોજના અંતર્ગત નેમપ્લેટો આપવામાં આવી હતી.
તેઉપરાંત મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતા અંગે જાગૃતિ લાવવા માટે મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત ૧૭ ગ્રામ પંચાયતોમાં સ્ટીકરો લગાવવામાં આવ્યા હતા અને શિક્ષણથી વંચિત રહેલી તથા શાળા છોડનાર ડ્રોપઆઉટ દીકરીઓનું કાઉન્સેલિંગ કરીને તેમને પુનઃ શિક્ષણ સાથે જોડાવા તેમજ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી હતી. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા યોજનાઓની માહિતી ગામડાંના અંતિમ વ્યક્તિ સુધી પહોંચે અને મહિલાઓ તથા કિશોરીઓના જીવનમાં ગુણાત્મક પરિવર્તન આવે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.







