INTERNATIONAL

હોર્મુઝ પર અમારો જ કંટ્રોલ રહેશે, અમેરિકાની દખલગીરી સહન નહીં થાય:ઈરાન

અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતી થઈ હોવા છતાં બંને દેશો વચ્ચેનો વિવાદ હજુ શાંત થયો નથી. આ દરમિયાન ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, હોર્મુજ જળમાર્ગ પર તેમનું જ નિયંત્રણ રહેશે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ જણાવ્યું છે કે, આગામી 1 મહિના સુધી આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ ઈરાની સેનાના કંટ્રોલમાં રહેશે.

તાજેતરમાં હોર્મુજ વિસ્તારમાં એક જહાજ પર ડ્રોન હુમલો થયો હતો. ત્યારબાદ અમેરિકાએ ઈરાની સંપત્તિઓ પર અને ઈરાને ગલ્ફ દેશોમાં આવેલા અમેરિકી ઠેકાણાઓ પર વળતા હુમલા કર્યા હતા. જો કે, 3 દિવસથી ચાલી રહેલા આ હુમલાઓ રોકીને બંને દેશો હવે કતારની રાજધાની દોહામાં આ અઠવાડિયે મંગળવારે વાતચીત કરવા માટે સહમત થયા છે.

ઈરાનના વિદેશ મંત્રીએ બગદાદમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન દાવો કર્યો હતો કે અમેરિકા સાથે સાઈન કરાયેલા એમઓયુ અંતર્ગત જ ઈરાનને હોર્મુજ પર દેખરેખ રાખવાનો અધિકાર મળ્યો છે. ઈરાન આ માર્ગ પરથી પસાર થતા જહાજોની દેખરેખ અને ફી વસૂલવાના મામલે બિલકુલ પાછળ હટવા તૈયાર નથી.

બીજી તરફ અમેરિકા ઈરાનના આ નિયંત્રણનો વિરોધ કરી રહ્યું છે. અમેરિકા ઈચ્છે છે કે, આ દરિયાઈ માર્ગ કોઈપણ ફી વગર આખી દુનિયાના જહાજો માટે ખુલ્લો રહે. મહત્વનું છે કે, હોર્મુજ સ્ટ્રેટ એ ફારસની ખાડી અને ઓમાનની ખાડીને જોડતો એક અત્યંત સાંકડો અને દુનિયાનો સૌથી વ્યસ્ત ઓઈલ ટ્રેડિંગ રૂટ છે, જ્યાંથી વિશ્વભરમાં તેલ અને ગેસની સપ્લાય થાય છે.

Back to top button
error: Content is protected !!