
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
સખી વન સ્ટોપ સેન્ટરની સમયસર કાઉન્સેલિંગથી ઘરેલુ હિંસાથી પીડિત મહિલાનું દાંપત્ય જીવન બચ્યું
અરવલ્લી જિલ્લામાં કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરે વધુ એક સફળ કાઉન્સેલિંગ કેસમાં ઘરેલુ હિંસાથી પીડિત મહિલાના પરિવારમાં ફરી સુખ-શાંતિ સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. સમયસર કાઉન્સેલિંગ, બંને પક્ષો સાથે સંકલન અને સતત ફોલોઅપના પરિણામે મહિલાનું દાંપત્ય જીવન ફરી સુખમય બન્યું છે.મળતી માહિતી મુજબ, આશરે દસ વર્ષ પહેલાં લગ્ન કરેલી અને બે સંતાનોની માતા એવી મહિલાએ પોતાના પતિના દારૂના વ્યસન, વારંવારના ઝઘડા, અપશબ્દો અને માનસિક ત્રાસથી કંટાળી સખી વન સ્ટોપ સેન્ટરનો સંપર્ક કર્યો હતો. આ વિખવાદની અસર બંને બાળકોના માનસિક વિકાસ અને સમગ્ર પરિવારના વાતાવરણ પર પણ પડી રહી હતી.

અરજી મળતા જ સખી વન સ્ટોપ સેન્ટરની ટીમે મહિલાના પિયર અને સાસરી પક્ષના સભ્યોનો સંપર્ક કરી બંને પક્ષોને સેન્ટર ખાતે બોલાવી વિસ્તૃત કાઉન્સેલિંગ કર્યું હતું. કાઉન્સેલિંગ દરમિયાન પતિને દારૂના વ્યસનથી દૂર રહેવા, પત્ની સાથે સન્માનજનક વર્તન રાખવા તેમજ ઘરેલુ હિંસાનો સંપૂર્ણ ત્યાગ કરવા સમજાવવામાં આવ્યું હતું. સાથે જ પરિવારના સભ્યોને પરસ્પર સંવાદ અને સહકારથી મતભેદો દૂર કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સેન્ટરની ટીમે સમજાવ્યું હતું કે ઘરેલુ હિંસાની અસર માત્ર પતિ-પત્ની સુધી મર્યાદિત રહેતી નથી, પરંતુ બાળકોના શિક્ષણ, માનસિક વિકાસ અને સમગ્ર પરિવારના સામાજિક જીવન પર પણ ગંભીર અસર કરે છે.કાઉન્સેલિંગ બાદ પતિએ પોતાની ભૂલ સ્વીકારી ભવિષ્યમાં દારૂના વ્યસનથી દૂર રહેવાની, પત્ની સાથે સન્માનજનક વર્તન રાખવાની અને પરિવાર પ્રત્યેની જવાબદારીઓ નિભાવવાની લેખિત અને મૌખિક ખાતરી આપી હતી.ત્યારબાદ સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા સતત ફોલોઅપ કરવામાં આવ્યો હતો. મહિલાએ જણાવ્યું કે હાલમાં તેઓ પોતાના પતિ અને બંને બાળકો સાથે શાંતિપૂર્ણ અને સુખમય જીવન જીવી રહ્યા છે તેમજ પરિવારમાં હકારાત્મક પરિવર્તન આવ્યું છે.
આ સફળ કામગીરી એ દર્શાવે છે કે યોગ્ય સમયે કરવામાં આવતું કાઉન્સેલિંગ, સંવેદનશીલ અભિગમ અને સતત માર્ગદર્શન દ્વારા અનેક પરિવારોને વિખેરાતા અટકાવી શકાય છે અને મહિલાઓને સુરક્ષિત તથા સન્માનપૂર્ણ જીવન જીવવામાં મદદ મળી શકે છે.જિલ્લા વહીવટી તંત્રએ તમામ મહિલાઓને અપીલ કરી છે કે ઘરેલુ હિંસા, માનસિક કે શારીરિક ત્રાસ, દહેજની હેરાનગતિ અથવા અન્ય કોઈપણ પ્રકારની હિંસાનો ભોગ બનતી હોય તો તેઓ નિઃસંકોચ સખી વન સ્ટોપ સેન્ટરનો સંપર્ક કરી કાઉન્સેલિંગ, કાનૂની માર્ગદર્શન, પોલીસ, તબીબી અને આશ્રય સહિતની સેવાઓનો લાભ લે.




