SPIPA ખાતે ‘અટલ વ્યાખ્યાનમાળા’માં ડો. ભાસ્કર ચેટર્જીનું પ્રેરણાદાયી સંબોધન: રાષ્ટ્રીય વિકાસમાં સરકાર અને કોર્પોરેટ ક્ષેત્રની સહભાગિતાને આપ્યો નવો આયામ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA), અમદાવાદ ખાતે આયોજિત ‘અટલ વ્યાખ્યાનમાળા’ અંતર્ગત કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR)ના જનક તરીકે જાણીતા ડો. ભાસ્કર ચેટર્જીએ ‘રાષ્ટ્રીય વિકાસ અને વિકસિત ભારત માટે એક વિકસિત અભિગમ’ વિષય પર વિસ્તૃત અને માહિતીસભર સંબોધન કર્યું હતું. પોતાના લાંબા વહીવટી અનુભવ અને નીતિ નિર્માણ સાથે જોડાયેલા અનુભવોના આધારે તેમણે સરકાર, ખાનગી ક્ષેત્ર અને સમાજ વચ્ચેના સહયોગને દેશના સર્વાંગી વિકાસ માટે અત્યંત જરૂરી ગણાવ્યો હતો.
વ્યાખ્યાન દરમિયાન ડો. ભાસ્કર ચેટર્જીએ જણાવ્યું હતું કે ભારત આજે વિકાસના નવા તબક્કામાં પ્રવેશી રહ્યું છે, જ્યાં સરકારની લોકકલ્યાણકારી યોજનાઓના પરિણામો હવે દેશના છેવાડાના વિસ્તારો સુધી સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે. ગરીબો, વંચિતો, મહિલાઓ, બાળકો અને ગ્રામ્ય સમાજના સર્વાંગી વિકાસ માટે અમલમાં મૂકાયેલી વિવિધ યોજનાઓએ દેશના વિકાસને નવી ગતિ આપી છે.
ભારતમાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR)ને નીતિગત સ્વરૂપ આપવામાં ડો. ભાસ્કર ચેટર્જીનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. તેમણે વર્ષ 2010માં જાહેર ક્ષેત્રના સાહસો માટે CSR માર્ગદર્શિકા તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી તેમજ કંપનીઝ એક્ટ-2013ની કલમ 135ના અમલીકરણમાં પણ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે CSR માત્ર કાયદાકીય જોગવાઈ નહીં, પરંતુ સમાજ પ્રત્યેની નૈતિક અને વિકાસલક્ષી જવાબદારી છે.
તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા સંચાલિત આંગણવાડી કેન્દ્રો, મધ્યાહ્ન ભોજન યોજના, પોષણ અભિયાન અને બાળ વિકાસ સંબંધિત પહેલોએ બાળકોના આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે સકારાત્મક પરિવર્તન લાવ્યું છે. સરકારના આ પ્રયાસોથી પ્રેરાઈને કોર્પોરેટ ક્ષેત્ર પણ આંગણવાડીઓને આધુનિક બનાવવા, ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપવા અને બાળકોને પૌષ્ટિક આહાર ઉપલબ્ધ કરાવવા માટે સક્રિય રીતે જોડાઈ રહ્યું છે.
ગ્રામીણ વિકાસ અંગે તેમણે જણાવ્યું કે રોજગારી આધારિત યોજનાઓ સાથે હાથ ધરાયેલા જળસંચયના કાર્યો દેશના અનેક વિસ્તારોમાં લાંબા ગાળાના પરિવર્તનનું કારણ બન્યા છે. તળાવો, જળાશયો અને પાણી સંરક્ષણના વિવિધ પ્રોજેક્ટોથી પાણીની સમસ્યામાં ઘટાડો થયો છે અને કૃષિ ઉત્પાદનક્ષમતા પણ વધી છે. કોર્પોરેટ ક્ષેત્રે સરકારના આ પ્રયાસોને વધુ મજબૂત બનાવી પશુઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા, ઘાટોના નિર્માણ અને અન્ય માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં સહયોગ આપ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું કે ભારતના વિકાસમાં કોર્પોરેટ ક્ષેત્રની ભાગીદારી સતત વધી રહી છે. સરકાર દ્વારા તૈયાર કરાયેલા મજબૂત નીતિગત માળખા અને પારદર્શક વ્યવસ્થાના કારણે ખાનગી ક્ષેત્ર આજે શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ, કૌશલ્ય વિકાસ, મહિલા સશક્તીકરણ અને ગ્રામ વિકાસ જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યું છે.
કોર્પોરેટ ગવર્નન્સ અંગે તેમણે જણાવ્યું હતું કે ભારતીય સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ (SEBI) દ્વારા દેશની ટોચની 1,000 કંપનીઓ માટે અમલમાં મૂકાયેલા ESG (Environment, Social and Governance) અને BRSR (Business Responsibility and Sustainability Reporting) સંબંધિત નિયમોએ કોર્પોરેટ ક્ષેત્રમાં જવાબદારી, પારદર્શિતા અને ટકાઉ વિકાસને વધુ મજબૂત બનાવ્યા છે. આ પ્રકારની વ્યવસ્થાઓથી ઉદ્યોગજગત માત્ર નફાકારકતા સુધી મર્યાદિત રહેતું નથી, પરંતુ સામાજિક અને પર્યાવરણીય જવાબદારીઓ પ્રત્યે પણ વધુ સંવેદનશીલ બન્યું છે.
ડો. ભાસ્કર ચેટર્જીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘વિકસિત ભારત-2047’ના લક્ષ્યને હાંસલ કરવા માટે સરકાર, કોર્પોરેટ ક્ષેત્ર, શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંગઠનો અને સામાન્ય નાગરિકો વચ્ચે મજબૂત ભાગીદારી અનિવાર્ય છે. વિકાસનો સાચો અર્થ ત્યારે જ સાકાર થશે જ્યારે સમાજના અંતિમ વ્યક્તિ સુધી વિકાસના લાભો સમાન રીતે પહોંચશે.
વ્યાખ્યાન દરમિયાન ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને અધિકારીઓ સાથે તેમણે સંવાદ પણ કર્યો હતો અને યુવા પેઢીને નવીન વિચારો, સામાજિક જવાબદારી અને રાષ્ટ્રહિતને કેન્દ્રમાં રાખીને કાર્ય કરવાની પ્રેરણા આપી હતી. તેમણે જણાવ્યું કે ભારત પાસે યુવા શક્તિ, ટેક્નોલોજી અને માનવ સંસાધનનો વિશાળ ભંડાર છે, જે દેશને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત સ્થાન અપાવી શકે છે.
આ કાર્યક્રમમાં SPIPAના નાયબ મહાનિદેશક ચંદ્રેશ કોટક, નાયબ સચિવ જયશંકર ઓધવાણી, સંયુક્ત સચિવ ઋતા ભટ્ટ, સંયુક્ત નિયામક એ. એ. ડોડીયા, નાયબ નિયામક (હિસાબ) હાર્દિક પ્રજાપતિ સહિત વરિષ્ઠ અધિકારીઓ, તાલીમાર્થી વિદ્યાર્થીઓ, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, સામાજિક આગેવાનો તથા મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના અંતે ઉપસ્થિતોએ ડો. ભાસ્કર ચેટર્જીના વિચારોને રાષ્ટ્રીય વિકાસ માટે માર્ગદર્શક ગણાવ્યા હતા. સરકાર અને કોર્પોરેટ ક્ષેત્ર વચ્ચે વધતી ભાગીદારીના પરિણામે સમાજના વિવિધ વર્ગો સુધી વિકાસના લાભો વધુ અસરકારક રીતે પહોંચશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી હતી.









