
તા.૦૧.૦૭.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Garbada:દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં ‘નમો સ્વચ્છતા અભિયાન’નો કરાયો પ્રારંભ
૧ થી ૭ જુલાઈ દરમિયાન તાલુકાની તમામ આરોગ્ય સંસ્થાઓમાં વિશેષ સ્વચ્છતા મહાઅભિયાન યોજાશે ગરબાડા તાલુકાના ‘નમો સ્વચ્છતા અભિયાન’ નો રાજ્યસ્તરીય શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગાંધીનગર સ્થિત GMERS મેડિકલ કોલેજ ખાતેથી કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના તમામ ૩૪ જિલ્લાઓમાં લાઇવ પ્રસારણ દ્વારા કાર્યક્રમનું નિહાળન કરવામાં આવ્યું હતું. આ અન્વયે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે ગરબાડા ધારાસભ્ય મહેન્દ્રસિંહ આર. ભાભોરની ઉપસ્થિતિમાં તેમજ અન્ય મહાનુભાવો, આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓએ રાજ્યસ્તરીય કાર્યક્રમનું લાઇવ નિહાળ્યું હતું.આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ ‘નમો સ્વચ્છતા અભિયાન’ અંતર્ગત આજે ગરબાડા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે તાલુકા કક્ષાના સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તા. ૧ જુલાઈથી ૭ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન ગરબાડા તાલુકાની તમામ આરોગ્ય સંસ્થાઓમાં વિશેષ સ્વચ્છતા મહાઅભિયાન યોજાશે.આ દરમિયાન સ્વચ્છ આરોગ્ય સંસ્થાઓ, સ્વચ્છ પરિસર અને ચેપજન્ય રોગોના નિવારણમાં સ્વચ્છતાની અગત્યની ભૂમિકા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપસ્થિત
મહાનુભાવોએ”સ્વચ્છતાથી સ્વસ્થ જીવનની શરૂઆત”ના સંદેશને જીવનમાં ઉતારવા અને આરોગ્ય સંસ્થાઓને સ્વચ્છ તથા દર્દી-મૈત્રીપૂર્ણ બનાવવા સૌને સહભાગી બનવા અપીલ કરી હતી.આ અભિયાન અંતર્ગત આગામી સાત દિવસ દરમિયાન ગરબાડા તાલુકાની તાલુકા હેલ્થ ઓફિસ, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ઉપકેન્દ્રો તેમજ અન્ય આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા અભિયાન, સફાઈ, કચરાના યોગ્ય નિકાલ અને સ્વચ્છતા અંગે જનજાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, આશા કાર્યકરો, સ્થાનિક આગેવાનો તથા નાગરિકોએ ઉપસ્થિત રહી સ્વચ્છતા જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો




