AHAVADANG

ડાંગનું સુપ્રસિદ્ધ હનુમાન જન્મસ્થળ અંજનકુંડ-પાંડવ ગુફાને જોડતો માર્ગ પહોળો કરવાની માંગ.

 

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ રાજેશભાઈ ગામીત દ્વારા રાજ્યકક્ષાના મંત્રી જયરામ ગામીતને કરી રજૂઆત..

ડાંગ જિલ્લાનાં સુપ્રસિદ્ધ ધાર્મિક અને પ્રવાસન સ્થળ તરીકે ઓળખાતા હનુમાનજીનાં જન્મસ્થળ એવા અંજનકુંડ તથા ઐતિહાસિક પાંડવ ગુફાને જોડતા માર્ગને પહોળો કરવાની માંગ ઉઠી છે. હાલમાં આ માર્ગ અત્યંત સાંકડો હોવાથી પ્રવાસીઓ, સ્થાનિક ગ્રામજનો તેમજ વાહનચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.આ સંદર્ભે ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ રાજેશભાઈ ગામીત્તે રાજ્યકક્ષાના મંત્રી અને ડાંગનાં પ્રભારી મંત્રી જયરામ ગામીતને લેખિત રજૂઆત કરી માર્ગના વિસ્તરણ માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.રજૂઆતમાં જણાવાયું છે કે અંજનકુંડ અને પાંડવ ગુફા સુધી પહોંચવા માટે આહવા તાલુકાનાં બોરખલ થઈ લીંગા તેમજ ગલકુંડ,કામત,બીલમાળ થઈ જતો માર્ગ મુખ્ય સંપર્ક માર્ગ છે.છેલ્લા કેટલાક વર્ષોમાં ધાર્મિક પર્યટન અને કુદરતી સૌંદર્યના કારણે આ વિસ્તારમાં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.પરિણામે નાના-મોટા વાહનોની અવરજવર પણ વધી છે, પરંતુ માર્ગ સાંકડો હોવાથી સામસામે આવતા વાહનોને પસાર થવામાં મુશ્કેલી પડે છે અને અકસ્માતની સંભાવના પણ રહે છે.ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ રાજેશભાઈ ગામીતે રજૂઆતમાં જણાવ્યું છે કે અંજનકુંડ અને પાંડવ ગુફા ડાંગ જિલ્લાના આસ્થા અને પર્યટનના મહત્વપૂર્ણ કેન્દ્રો છે. રાજ્ય સરકાર આ વિસ્તારના પ્રવાસન વિકાસને પ્રોત્સાહન આપી રહી છે.ત્યારે સુરક્ષિત અને સુવિધાસભર માર્ગ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવી સમયની માંગ બની છે.સ્થાનિક ગ્રામજનો અને પ્રવાસન સાથે સંકળાયેલા લોકોનું પણ માનવું છે કે માર્ગ પહોળો બનવાથી યાત્રાળુઓ અને પ્રવાસીઓની અવરજવર વધુ સરળ બનશે, અકસ્માતનું જોખમ ઘટશે તેમજ સમગ્ર વિસ્તારના ધાર્મિક અને પર્યટન વિકાસને નવી ગતિ મળશે.હવે રાજ્ય સરકાર આ રજૂઆતને કેટલા ઝડપથી સ્વીકારી માર્ગના વિસ્તરણ માટે મંજૂરી આપે છે તેના પર સ્થાનિકો અને શ્રદ્ધાળુઓની નજર મંડાયેલી છે..

Back to top button
error: Content is protected !!