
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
બાયડ- મૃતકના નામે જમીનનો પાવર ઓફ એટર્ની..! બાયડમાં ખોટી ઓળખથી નોંધણી કૌભાંડનો પર્દાફાશ, ત્રણ સામે ગુનો નોંધાયો

અરવલ્લી જિલ્લાના બાયડમાં જમીનના દસ્તાવેજોની નોંધણીમાં ગંભીર ગેરરીતિનો મામલો સામે આવ્યો છે. મૃતક વ્યક્તિના નામે ખોટી ઓળખ ઉભી કરી જમીનનો પાવર ઓફ એટર્ની (કુલમુખત્યારનામું) નોંધાવવાના કથિત કૌભાંડમાં અજાણ્યા ઇસમ સહિત ત્રણ વ્યક્તિઓ સામે બાયડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.ફરિયાદ અનુસાર, તા. 8 એપ્રિલ, 2025ના રોજ દસ્તાવેજ નં. 1178/2025 હેઠળ મૃતક છગનજી જીવણજી પટેલ, રહે. વાસણીરેલ, તા. બાયડની માલિકીની જમીન માટે અજાણ્યા ઇસમે પોતે છગનજી પટેલ હોવાનું ખોટું નામ ધારણ કરી પાવર ઓફ એટર્ની નોંધાવ્યો હતો. નોંધણી પ્રક્રિયા દરમિયાન ખોટા દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ છે.
આ સમગ્ર પ્રક્રિયામાં જગદિશકુમાર બાબુભાઈ પરમાર (રહે. કાલસર, તા. ઠાસરા, જી. ખેડા) અને ચેતનસિંહ પર્વતસિંહ સોલંકી (રહે. બીબીની વાવ, તા. બાયડ, જી. અરવલ્લી)એ ખોટી ઓળખની પુષ્ટિ આપતા સાક્ષી તરીકે કામગીરી કરી હોવાનો આરોપ છે. તેમના કારણે સરકારી રજિસ્ટરમાં ખોટી નોંધણી થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.બાયડના સબ-રજિસ્ટ્રારે નોંધણી અધિનિયમ-1908ની કલમ 82 અને 83 હેઠળ કાર્યવાહી કરવા માટે રાજ્યના નોંધણી સર નિરીક્ષક અને સુપરિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સ પાસેથી મંજૂરી મેળવ્યા બાદ તા. 30 જૂન, 2026ના રોજ બાયડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદના આધારે બાયડ પોલીસે અજાણ્યા આરોપી સહિત ત્રણેય સામે નોંધણી અધિનિયમ-1908ની કલમ 82(ગ) અને 83 મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. સમગ્ર મામલે પોલીસ ઇન્સ્પેક્ટર શવંતભાઈ રાજાભાઈ ચૌહાણ વધુ તપાસ ચલાવી રહ્યા છે.ખોટી ઓળખના આધારે સરકારી દસ્તાવેજોની નોંધણી કરાવવાનો આ મામલો સામે આવતા જમીનના દસ્તાવેજોની સુરક્ષા અને નોંધણી પ્રક્રિયા અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે.



