MORBIMORBI CITY / TALUKO

WAKANER:વાંકાનેરના આંગણે ભક્તિનો મહાસાગર: ૧૬ દિવસની સ્થિરતા દરમિયાન મંત્ર-યંત્ર આરાધનાથી જૈન સંઘ ભાવવિભોર

 

WAKANER:વાંકાનેરના આંગણે ભક્તિનો મહાસાગર: ૧૬ દિવસની સ્થિરતા દરમિયાન મંત્ર-યંત્ર આરાધનાથી જૈન સંઘ ભાવવિભોર

 

“શાંત પરમ હિતકારી, સંત ચરણ સુખકારી, સંતકૃપાની બલિહારી” એ ઉક્તિને સાર્થક કરતા પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્ય સાધના સમ્રાટ શ્રી ભાવચંદ્રજી સ્વામીના ચાતુર્માસ પૂર્વેના શેષકાળ દરમિયાન વાંકાનેર સ્થાનકવાસી જૈન સંઘમાં અનેરો ધર્મોઉલ્લાસ અને ભક્તિભાવનો માહોલ જોવા મળ્યો હતો.

પૂજ્ય આચાર્ય શ્રી ભાવચંદ્રજી સ્વામી, પૂ. ડૉ. શ્રી ચિંતનચંદ્રજી સ્વામી, પૂ. શ્રી વિવેકચંદ્રજી સ્વામી, પૂ. શ્રી અરિહંતચંદ્રજી સ્વામી તથા પૂ. શ્રી વર્ધમાનજી સ્વામી આદિ ઠાણા-૫નું વાંકાનેરના આંગણે મંગલ પદાર્પણ થયું હતું. ૧૬ દિવસની આ પાવન સ્થિરતા દરમિયાન દરરોજ સવારે વ્યાખ્યાન, રાત્રી પ્રવચન અને વિવિધ તપારાધનાઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક યુવાનો તેમજ સકળ સંઘે ખૂબ જ ઉત્સાહભેર લાભ લીધો હતો.

વિશેષમાં, આ દિવસો દરમિયાન યોજાયેલી ‘પાર્શ્વ પદ્માવતી મંત્ર સાધના’ અને ‘પાસઠિયા યંત્ર આરાધના’એ ભક્તિનો એવો રંગ જમાવ્યો હતો કે સમગ્ર વાંકાનેર સંઘમાં પર્યુષણ પર્વ જેવો ઐતિહાસિક અને પવિત્ર માહોલ રચાયો હતો.

ત્રિવેણી સંગમ અને મહાનુભાવોની ઉપસ્થિતિ

આ ધાર્મિક અવસર દરમિયાન ગોપાલ સંપ્રદાયના ઉપયોગ સમ્રાટ પૂજ્ય શ્રી ઉત્તમકુમારજી ગુરુદેવનું પાવન મિલન થયું હતું. આ ઉપરાંત, સંઘના ઇતિહાસમાં પ્રથમ વખત આચાર્યશ્રીની સ્થિરતા દરમિયાન પૂ. શ્રી વર્ષાજી મ.સ., પૂ. શ્રી તરલાજી મ.સ., પૂ. શ્રી કોમલજી મ.સ., પૂ. શ્રી ઓજસ મ.સ. અને પૂ. શ્રી ધિરતાજી મ.સ. આદિ સાધ્વીજી ભગવંતો (સતીજીઓ)ની નિશ્રાનો પણ શ્રાવકોને લાભ મળ્યો હતો. ગુરુદેવના દર્શન અર્થે રાજ્યસભાના સાંસદ અને વાંકાનેરના મહારાણા સાહેબ શ્રી કેસરીદેવસિંહજી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ગુરુવંદન કરી આશીર્વાદ મેળવ્યા હતા.

દાતાઓ અને સેવાભાવીઓનો સહયોગ

આ પાવન શેષકાળમાં સાધર્મિક ભક્તિનો અદ્ભુત લાભ માતૃશ્રી વિમળાબેન બાબુલાલ ખીમચંદ શેઠ પરિવારે લીધો હતો. આ સાથે જ પ્રભાવના વિતરણ સહિતની વ્યવસ્થાઓમાં અનેક ઉદારદિલ દાતાઓએ પોતાનો લક્ષ્મીનો સદવ્યય કરી સહયોગ આપ્યો હતો.

સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સંઘના ભીષ્મપિતામહ સમાન પ્રમુખ શ્રી અનંતભાઈ મહેતા, સચીનભાઈ કામદાર, અલ્પેશભાઈ પટેલ, હર્ષદભાઈ પારેખ, ઉપેન્દ્રભાઈ दोषी, ભાવિનભાઈ મહેતા, ધવલભાઈ મહેતા, સચિનભાઈ સંઘવી તેમજ AAA ગ્રુપના સભ્યોએ રાત-દિવસ જોયા વગર જહેમત ઉઠાવી ખૂબ જ સુંદર સેવાકીય વ્યવસ્થા સંભાળી હતી. સમગ્ર વાંકાનેર જૈન સંઘ આ ૧૬ દિવસીય આધ્યાત્મિક મહોત્સવથી ભાવવિભોર બન્યો છે.

Back to top button
error: Content is protected !!