MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની મોટી બેદરકારી: લોન પુરી થયા છતાં મકાનનો અસલ દસ્તાવેજ ખોવી નાખતા ગ્રાહક અદાલતે રૂ. ૧૦,૦૦૦ નો દંડ ફટકાર્યો

 

MORBI:મોરબીમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની મોટી બેદરકારી: લોન પુરી થયા છતાં મકાનનો અસલ દસ્તાવેજ ખોવી નાખતા ગ્રાહક અદાલતે રૂ. ૧૦,૦૦૦ નો દંડ ફટકાર્યો

 

મોરબી: મોરબી સામાકાંઠા વિસ્તારમાં આવેલા અરૂણોદયનગરમાં રહેતા દિનેશચંદ્ર જેચંદભાઈ મહેતાએ પરા બજાર સ્થિત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) માંથી પોતાના સુમતીનગર, વાવડી રોડ પર આવેલા મકાન પર તારીખ ૧૬/૧૨/૨૩ ના રોજ રૂપિયા ૫,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા પાંચ લાખ પુરા) ની મકાન લોન લીધેલી હતી. આ લોનની તમામ રકમ તેમણે સમયસર તારીખ ૩/૧૨/૨૪ ના રોજ બેંકમાં પૂરેપૂરી ભરપાઈ કરી દીધી હતી. લોન ચુકતે થતાં બેંકે એન.ઓ.સી. (NOC) તો આપી દીધું, પરંતુ ગ્રાહકના મકાનનો અસલ દસ્તાવેજ પરત આપ્યો ન હતો.

ફરીયાદી દિનેશચંદ્ર મહેતાએ પોતાના અસલ દસ્તાવેજ મેળવવા માટે અવાર-નવાર બેંકના ધક્કા ખાધા હતા. લાંબા સમય બાદ બેંક સત્તાધીશો દ્વારા આખરે એવો ચોંકાવનારો જવાબ આપવામાં આવ્યો કે તેમના મકાનના દસ્તાવેજની ફાઈલ બેંકમાંથી ખોવાઈ ગઈ છે! બેંકની આ ગંભીર બેદરકારી અને સેવામાં ખામીથી પરેશાન થઈને ગ્રાહકે ન્યાય મેળવવા માટે ‘મોરબી शहर/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ’ ના પ્રમુખ શ્રી લાલજીભાઈ મહેતાનો સંપર્ક કર્યો હતો. તેમના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશન (ગ્રાહક અદાલત) માં બેંક વિરૂદ્ધ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.

આ કેસ ચાલવા ઉપર આવતા ગ્રાહક અદાલતના ન્યાયમૂર્તિશ્રીએ બેંકના અધિકારીઓ સામે કડક વલણ અપનાવતા જણાવ્યું હતું કે, ગ્રાહકે લોનના પૈસા પૂરેપૂરા ભરી દીધા હોવા છતાં દસ્તાવેજની ફાઈલ ખોવી નાખવી તે બેંકની ગંભીર બેદરકારી છે. અદાલતે સવાલ ઉઠાવ્યો હતો કે જો ગ્રાહકે મકાન વહેંચવું હોય કે તેના પર બીજી લોન લેવી હોય તો તે અસલ દસ્તાવેજ વિના કેવી રીતે કરી શકે? આ ફાઈલ સાચવવી એ બેંકની જવાબદારી હતી.

ગ્રાહક અદાલતનો મહત્વનો હુકમ:૧. બેંકે ગ્રાહક દિનેશચંદ્ર જેચંદભાઈ મહેતાના મકાનના દસ્તાવેજની પ્રમાણિત નકલ (Certified Copy) પોતાના સ્વખર્ચે રજીસ્ટ્રાર ઓફિસમાંથી કઢાવીને આપવી.

૨. બેંકની સેવામાં ખામી અને ગ્રાહકને થયેલી માનસિક હેરાનગતિ બદલ રૂ. ૧૦,૦૦૦/- (અંકે રૂપિયા દશ હજાર પુરા) ખર્ચ પેટે ચૂકવવાનો આદેશ કર્યો છે.

આ પ્રસંગે મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે જણાવ્યું છે કે, કોઈપણ બેંક કે ફાઈનાન્સ કંપની હોય, લોન ભરપાઈ થઈ ગયા પછી ગ્રાહકના અસલ દસ્તાવેજ પરત આપવા એ તેમની ફરજ છે. ગ્રાહકોએ પોતાના હકો માટે જાગૃત થવું જોઈએ અને અન્યાય સામે લડવું જોઈએ. જો કોઈ ગ્રાહકને અન્યાય થાય તો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો. ૯૮૨૫૭ ૯૦૪૧૨) અથવા ઉપપ્રમુખ હિતેશભાઈ મહેતા (મો. ૯૯૭૮૯૮૩૯૮૬) નો સંપર્ક કરવા અપીલ કરાઈ છે.

Back to top button
error: Content is protected !!