સાસરીયાના અત્યાચારથી ગર્ભસ્થ બાળકનું મોત! વિજાપુરના રામપુર (કોટ)ની ઘટના, ચાર સામે ફરિયાદ
સાસરીયાના અત્યાચારથી ગર્ભસ્થ બાળકનું મોત! વિજાપુરના રામપુર (કોટ)ની ઘટના, ચાર સામે ફરિયાદ

સાસરીયાના અત્યાચારથી ગર્ભસ્થ બાળકનું મોત! વિજાપુરના રામપુર (કોટ)ની ઘટના, ચાર સામે ફરિયાદ
સાસરીયાઓની મારમારી બાદ ગર્ભમાં રહેલા બાળકનું મોત; પતિ, સાસુ, નણંદ સહિત ચાર સામે ગુનો નોંધાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના રામપુર (કોટ) ગામમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. ગર્ભવતી પત્ની પર તેના જ પતિએ “આ બાળક મારું નથી” કહી શંકા રાખી ને ગર્ભવતી પત્ની ને પતિએ પેટના ભાગે લાતો મારતા તેમજ સાસરીયાઓએ પણ છોડાવવા ને બદલે મારમારી કરતા ગર્ભમાં રહેલા બાળકનું થયેલ મોત ના મામલે લાડોલ પોલીસ મથકે પતિ સહિત સાસરી પક્ષના ચાર વ્યક્તિઓ સામે પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહીતી મુજબ અળપોદરા ઝાલાનગર ખાતે રહેતી સ્નેહલબા રાઠોડના લગ્ન આશરે ત્રણ વર્ષ અગાઉ વિજાપુર તાલુકાના રામપુર (કોટ) ગામના કાળુસિંહ લાલસિંહ રાઠોડ સાથે સમાજના રીત-રિવાજ મુજબ થયા હતા. દંપતીને 14 માસનો એક પુત્ર પણ છે. લગ્નજીવન દરમિયાન પતિ કાળુસિંહ, સાસુ મંગુબા, નણંદ કાજલબા અને ચંદ્રિકાબેન દ્વારા અવારનવાર ઝઘડા અને ત્રાસ અપાતો હોવાનો પણ પીડીત મહિલાએ જણાવ્યું છે ચાર મહિના અગાઉ ઘરેલુ વિવાદને પગલે સ્નેહલબા તેમના પિયર અળપોદરા ખાતે રહેવા ગયા હતા. તે દરમિયાન તેઓ ગર્ભવતી બન્યા હતા. બાદમાં પતિ કાળુસિંહ નોકરી માટે બહાર ગયા બાદ ફરી પોતાના ગામે પરત આવ્યા હતા અને પત્નીને સાસરીમાં મૂકવા જણાવતાં ગત 29 જૂને સ્નેહલબા તેમની માતા, ફોઈ અને પરિવારના વડીલ મહિલા સાથે રામપુર (કોટ) ગામે પહોંચ્યા હતા. જ્યાં પહોંચતા જ કાળુસિંહે પત્ની સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી અને ગર્ભમાં રહેલા બાળક અંગે શંકા વ્યક્ત કરી હતી. ત્યારબાદ તેણે લાફા, ગળાપાટુ તથા પેટના ભાગે લાતો મારી હતી. તે દરમિયાન સાસુ મંગુબા, નણંદ કાજલબા અને ચંદ્રિકાબેનએ પણ મહિલાને પકડી રાખી મારમારી કરી હોવાનો આક્ષેપ છે. મહિલાના પરિવારજનોએ વચ્ચે પડી તેને છોડાવી હતી.
મારમારી બાદ મહિલાની તબિયત લથડતા અને ભારે રક્તસ્ત્રાવ શરૂ થતાં પ્રથમ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યારબાદ હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડાઇ હતી ત્યાં તપાસ દરમિયાન ગર્ભમાં રહેલા બાળકના ધબકારા બંધ હોવાનું જાણવા મળ્યું હતું. ડોક્ટરોની સલાહ મુજબ ગર્ભપાત કરાવવો પડ્યો હતો. આ ઘટનાએ મહિલાના પરિવારને આઘાતમાં મૂકી દીધો છે.
પીડિતાની ફરિયાદના આધારે લાડોલ પોલીસે પતિ કાળુસિંહ લાલસિંહ રાઠોડ, સાસુ મંગુબા લાલસિંહ રાઠોડ, નણંદ કાજલબા લાલસિંહ રાઠોડ તથા ચંદ્રિકાબેન ગોવાજી રાઠોડ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




