

વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં આજે વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં સમગ્ર પંથકમાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ વરસેલા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે, જ્યારે ગરમી અને બફારાથી લોકોને પણ રાહત મળી છે.
શિનોર તાલુકામાં આજે વહેલી સવારથી શરૂ થયેલા વરસાદે સમગ્ર વિસ્તારને તરબોળ કરી દીધો હતો. છેલ્લા ઘણા દિવસોથી વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થયો છે. ખેડૂતો દ્વારા ખેતરો તૈયાર કરી બિયારણ વાવી દેવામાં આવ્યું હતું અને હવે સમયસર વરસાદ મળતાં પાક અંગે નવી આશા જાગી છે.
વરસાદના કારણે શિનોર નગરના મુખ્ય બજારોમાં પાણી વહેતાં નજરે પડ્યાં હતાં. જ્યારે શિનોર રેલવે ઘરનાળા નીચે વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે દર વર્ષે વરસાદ દરમિયાન આ સ્થળે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. તંત્ર દ્વારા આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે.
વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને ગરમી તેમજ બફારાથી રાહત મળી હતી. શિનોર તાલુકાના શિનોર, માલસર, સુરાસામાળ, મિઢોળ, સાધલી, ઉતરાજ, ટીમ્બરવા, અવાખલ, સેગવા અને માલપુર સહિતના ગામોમાં પણ મેઘરાજાની પધરામણી થતાં સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
ખેડૂતો હવે સારા વરસાદ સાથે સારા પાકની આશા વ્યક્ત કરી રહ્યા છે.



