MORBI:મોરબીમાં માતા-પિતાથી વિખૂટી પડેલી ૩ વર્ષની બાળકીનું ચાઇલ્ડ હેલ્પલાઇન અને બાળ સુરક્ષા ટીમે પરિવાર સાથે કરાવ્યું સુખદ પુનઃમિલન




MORBI:મોરબીમાં માતા-પિતાથી વિખૂટી પડેલી ૩ વર્ષની બાળકીનું ચાઇલ્ડ હેલ્પલાઇન અને બાળ સુરક્ષા ટીમે પરિવાર સાથે કરાવ્યું સુખદ પુનઃમિલન

હેલ્પલાઇન ૧૦૯૮, બાળ કલ્યાણ સમિતિ અને જિલ્લા બાળ સુરક્ષા એકમના સંયુક્ત સંકલનથી માસૂમ બાળકીને માતા-પિતા પાસે પહોંચાડાઈ
મોરબી શહેરમાં માતા-પિતાથી અકસ્માતે વિખૂટી પડી ગયેલી એક ૩ વર્ષની માસૂમ બાળકીને વહીવટી તંત્રની સતર્કતા અને સંવેદનશીલતાના કારણે ગણતરીના કલાકોમાં જ તેનો પરિવાર પાછો મળી ગયો છે.

ગત તા. ૩૦ જૂન, ૨૦૨૬ના રોજ બપોરબાદ ચાઇલ્ડ હેલ્પલાઇન મોરબીને ૧૦૯૮ પર બાળકી ગુમ થઈ હોવાનો કોલ મળતા જ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સ્થાનિક નાગરિકોના સહયોગથી સઘન શોધખોળ હાથ ધરીને રાત્રે ૧૦:૦૦ વાગ્યાની આસપાસ બાળકીના વાલીને શોધી કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડૉ. વિપુલ શેરસિયા અને સ્ટાફના માર્ગદર્શન હેઠળ બાળકીને તુરંત જ બાળ કલ્યાણ સમિતિ (CWC) સમક્ષ રજૂ કરવામાં આવી હતી.
પ્રાથમિક તબક્કે વાલી પાસે ઓળખના જરૂરી પુરાવા ઉપલબ્ધ ન હોવાથી, બાળકીની સુરક્ષા અને સર્વોચ્ચ હિતને ધ્યાને રાખી સમિતિના નિર્ણય અનુસાર તેને ખોખરા હનુમાન (બેલા) સ્થિત શિશુગૃહમાં સુરક્ષિત આશ્રય આપવામાં આવ્યો હતો. આગલા દિવસે એટલે કે, ૦૧ જુલાઈના રોજ બાળ કલ્યાણ સમિતિના ચેરમેન શ્રીમતી રમાબેન ગડારા તેમજ સભ્યો સર્વશ્રી ખુશ્બૂબેન કોઠારી, પિયુતાબેન નાદપરા અને દીપાબેન રાવલ દ્વારા કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વાલી દ્વારા ઓળખની ખરાઈ માટે રજૂ કરાયેલા બે સ્વતંત્ર સાક્ષીઓની ઝીણવટભરી પૂછપરછ અને પુરાવાની ચકાસણી કર્યા બાદ સમિતિએ બાળકીને તેના અસલી માતા-પિતાને સુપ્રત કરી હતી.
ચાઇલ્ડ હેલ્પલાઇન ૧૦૯૮, બાળ કલ્યાણ સમિતિ અને જિલ્લા બાળ સુરક્ષા એકમના મજબૂત સંકલન થકી એક માસૂમ દીકરીનું તેના પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું છે તેવું મોરબી જિલ્લા બાળ સુરક્ષા એકમની યાદીમાં જણાવાયું છે.



