MORBIMORBI CITY / TALUKO

MORBI:આઈકોનિક રોડ પર વિવાદ: મોરબીમાં દબાણકારો પર તંત્ર મહેરબાન? સ્થાનિકોએ આપ્યું ૨૦ દિવસનું અલ્ટીમેટમ.

 

MORBI:આઈકોનિક રોડ પર વિવાદ: મોરબીમાં દબાણકારો પર તંત્ર મહેરબાન? સ્થાનિકોએ આપ્યું ૨૦ દિવસનું અલ્ટીમેટમ.

 

મોરબીના નાની કેનાલ રોડને ‘આઈકોનિક રોડ’ તરીકે વિકસાવવાની ચાલી રહેલી કામગીરીમાં મોટા પાયે ગેરરીતિ અને દબાણકારોને છાવરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે સ્થાનિક રહીશોએ ભારે હોબાળો મચાવ્યો છે. રોષે ભરાયેલા લોકોએ મેયર, ડેપ્યુટી મેયર, સ્થાનિક કોર્પોરેટર અને પાલિકાના અધિકારીઓને સ્થળ પર દોડતા કરી ઉગ્ર રજૂઆત કરી હતી અને રોડનું કામ સદંતર બંધ કરાવી દીધું છે.

સ્થાનિક રહીશો એ જણાવ્યું હતું કે, આ મોરબીનો પ્રથમ આઇકોનિક રોડ બની રહ્યો હોવાથી લોકોમાં ભારે ઉત્સાહ હતો. શરૂઆતમાં સ્થાનિકોએ નગરપાલિકાને લેખિતમાં ખાતરી આપીને સંપૂર્ણ સહકાર આપ્યો હતો. તંત્ર કે પોલીસને તકલીફ ન પડે અને પાલિકા પર કોઈ આર્થિક બોજ ન આવે તે માટે લોકોએ પોતપોતાની રીતે જ સ્વયંભૂ દબાણો દૂર કરી દીધા હતા. પરંતુ હવે તંત્ર દ્વારા જ યોગ્ય કામગીરી ન કરીને સ્થાનિકો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે.

સિંચાઈ વિભાગ દ્વારા મોરબી નગરપાલિકાને આ રોડના નિર્માણ માટે ૨૦ મીટર જગ્યા સંપાદિત કરીને આપવામાં આવી છે. મંજૂર થયેલા ટેન્ડરની જોગવાઈ મુજબ:૭-૭ મીટરના બે રોડ – ૨ મીટરનું ડિવાઈડર બંને બાજુ ૨-૨ મીટરની ફૂટપાથ (સિનિયર સિટીઝન માટે વૉકિંગ સ્ટ્રીટ અને બાળકો માટે સાયકલિંગ ટ્રેક) બનાવવાનું આયોજન હતું.પરંતુ, હાલમાં સ્થળ પર ૨૦ મીટરના બદલે રોડને માત્ર ૧૮ મીટરનો જ કરવામાં આવી રહ્યો છે અને બાજુઓ પરનું ૨ મીટર જેટલું દબાણ યથાવત રાખી દેવાયું છે.

સ્થાનિકોનો સીધો આક્ષેપ: પ્રોપર ડિમોલિશન કરવાને બદલે માત્ર વચ્ચેથી જ રસ્તો સાફ કરી દેવાયો છે. સરકારી જમીન પર થયેલા દબાણો અને ૯ ઇંચની પાકી દીવાલો હટાવવામાં આવી નથી. કેટલાક વગદાર અને માનીતા લોકોના દબાણો હટાવવામાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. આ ઉપરાંત, રોડની વચ્ચે આવતા વીજળીના થાંભલા કે લાઈન હટાવ્યા વગર જ ઉતાવળે કામગીરી આગળ ધપાવવામાં આવી રહી છે, જે અધિકારીઓની સ્પષ્ટ મિલીભગત દર્શાવે છે.સ્થાનિકોના આક્રોશને પગલે સ્થળ પર દોડી આવેલા મેયર અને અધિકારીઓએ માત્ર “જોઈ લઈશું, કાગળો તપાસી લઈશું, કરી લઈશું” જેવા ગોળગોળ જવાબો આપી આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો હતો, જેનાથી સ્થાનિકોને જરા પણ સંતોષ થયો નથી.રોષે ભરાયેલા નાગરિકોએ તંત્રને ૨૦ દિવસનું આખરી અલ્ટીમેટમ આપ્યું છે. તેમની સ્પષ્ટ માંગ છે કે ૨૦ દિવસ સુધી કામ બંધ રાખવામાં આવે અને નકશા મુજબ પ્રોપર ડિમોલિશન કરીને પૂરેપૂરો ૨૦ મીટરનો જ રોડ બનાવવામાં આવે. જો નિયમ મુજબ કામગીરી કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીને ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી પણ સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!