NAVSARINAVSARI CITY / TALUKO

ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકો ધ્યાન આપો! મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની સહાય મેળવવા ઓનલાઈન અરજી કરો

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ગુજરાત રાજ્ય સરકારની મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત નાણાકીય વર્ષ 2026-27 માટે નોંધાયેલ ગૌશાળા અને પાંજરાપોળ સંસ્થાઓ પાસેથી નિભાવ સહાય મેળવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ 2.0 પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. યોજનાના પ્રથમ તબક્કા (એપ્રિલથી જૂન-2026) માટે અરજી કરવાની છેલ્લી તારીખ 15 જુલાઈ, 2026 નક્કી કરવામાં આવી છે.

આ યોજનાનો લાભ માત્ર એવી ગૌશાળા-પાંજરાપોળ સંસ્થાઓને મળશે, જેની નોંધણી 31 ડિસેમ્બર, 2025 સુધી પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ થયેલી હોય અને તે તારીખ સુધીનું માન્ય નોંધણી પ્રમાણપત્ર ધરાવતી હોય.

સરકારે સ્પષ્ટ કર્યું છે કે ઓનલાઈન અરજી માત્ર ભરવી પૂરતી નથી, પરંતુ તેને ફરજિયાત સબમિટ કરવી જરૂરી છે. માત્ર ડ્રાફ્ટ અથવા પેન્ડિંગ સ્થિતિમાં રહેલી અરજી માન્ય ગણાશે નહીં અને આવી સંસ્થાઓ સહાયથી વંચિત રહેશે. ઉપરાંત, જે તબક્કા માટે અરજી કરવામાં નહીં આવે, તે તબક્કાની સહાય માટે સંસ્થા પાત્ર ગણાશે નહીં.

ઓનલાઈન અરજી પૂર્ણ કર્યા બાદ તેની પ્રિન્ટ સાથે અરજીમાં દર્શાવેલા તમામ જરૂરી આધારભૂત દસ્તાવેજો જોડીને અરજી કર્યાના 21 દિવસની અંદર સંબંધિત જિલ્લાના નાયબ પશુપાલન નિયામકશ્રી, જિલ્લા પંચાયત કચેરી ખાતે રજૂ કરવાની રહેશે. નિયત સમયમર્યાદામાં દસ્તાવેજો જમા નહીં કરાય તો અરજી રદ કરવામાં આવશે.

યોજનાનો ઠરાવ, પાત્રતા, શરતો અને અન્ય વિગતો ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ તથા આઈ-ખેડૂત પોર્ટલ 2.0 પર ઉપલબ્ધ હોવાનું સભ્ય સચિવ સહ સંયુક્ત પશુપાલન નિયામક, ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!