લુણાવાડામાં બાળ મજૂરી વિરોધી ઝુંબેશ: જિલ્લા ટાસ્ક ફોર્સે તરુણ શ્રમયોગીને મુક્ત કરાવ્યો

લુણાવાડામાં બાળ મજૂરી વિરોધી ઝુંબેશ: જિલ્લા ટાસ્ક ફોર્સે તરુણ શ્રમયોગીને મુક્ત કરાવ્યો
****
મહીસાગર જિલ્લામાં શ્રમ વિભાગની લાલ આંખ: ‘મુંબઈ ફેશન સેલ’ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી
***
રિપોર્ટર..
અમીન કોઠારી મહીસાગર
મહીસાગર જિલ્લામાં બાળ અને તરુણ મજૂરીના દૂષણને જડમૂળથી નાબૂદ કરવાના ઉમદા ધ્યેય સાથે જિલ્લા કલેક્ટર દ્વારા ખાસ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. આ ટાસ્ક ફોર્સના સભ્યો દ્વારા સરકારી શ્રમ અધિકારી પી. કે. બારીઆની સીધી રાહબરી હેઠળ ગત તારીખ ૨૦/૦૬/૨૦૨૬ના રોજ લુણાવાડા ટાઉનમાં આકસ્મિક દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સઘન તપાસ દરમિયાન લુણાવાડાના સોનીની વાડી વિસ્તારમાં આવેલ ‘મુંબઈ ફેશન સેલ’ નામની સંસ્થામાંથી એક તરુણ શ્રમયોગી કામ કરતો મળી આવ્યો હતો. શ્રમ વિભાગની ટીમે તાત્કાલિક ધોરણે આ તરુણને શ્રમકાર્યમાંથી મુક્ત કરાવી કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી હતી.
આ સમગ્ર સંયુક્ત ઓપરેશનમાં વિવિધ વિભાગોનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો. જેમાં સરકારી શ્રમ અધિકારી પી. કે. બારીઆની સાથે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનીટ-મહીસાગરના અધિકારીઓ, ગાયત્રી સેવા સંસ્થાનના પ્રતિનિધિઓ તેમજ ચાઈલ્ડ લાઈન (૧૦૯૮) લુણાવાડાની ટીમે સક્રિયપણે ભાગ લીધો હતો. આકસ્મિક તપાસ દરમિયાન જે સંસ્થામાં અનિયમિતતા જોવા મળી હતી, તે ‘મુંબઈ ફેશન સેલ’ વિરુદ્ધ બાળ અને તરુણ શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ-૧૯૮૬ની વિવિધ જોગવાઈઓ હેઠળ તપાસનોંધ પસાર કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
સરકારી શ્રમ અધિકારીની કચેરી, મહીસાગર દ્વારા જારી કરવામાં આવેલી સત્તાવાર અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે જિલ્લામાં કોઈપણ જગ્યાએ બાળ કે તરુણ શ્રમિકો પાસે કામ કરાવવું એ ગુનો છે. આ પ્રકારની આકસ્મિક દરોડાની કાર્યવાહી આગામી સમયમાં પણ સઘન રીતે ચાલુ રાખવામાં આવશે. તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે બાળ મજૂરી કરાવતા એકમો અને સંસ્થાઓ સામે કાયદાનું કડક શસ્ત્ર ઉગામવામાં આવશે, જેથી જિલ્લાને સંપૂર્ણપણે બાળ મજૂરી મુક્ત બનાવી શકાય.



