
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
યાત્રાધામ શામળાજી અને મોડાસામાં વરસાદી માહોલ, પ્રથમ વરસાદે જ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

અરવલ્લી જિલ્લામાં લાંબા ઇંતજાર બાદ વરસાદી માહોલ જામ્યો છે. યાત્રાધામ શામળાજીમાં મેઘરાજાની એન્ટ્રી થતાં ભગવાન શામળિયાના મંદિરે અમી છાંટણા થયા હતા. વરસાદ શરૂ થતાં સ્થાનિકો અને યાત્રાળુઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી ભારે ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી છે.

વરસાદને કારણે શામળાજી મંદિર તરફ જવાના માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે યાત્રાળુઓ અને વાહનચાલકોને અવરજવરમાં થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે વરસાદથી સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી. બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ચોમાસું હજુ નબળું રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.બીજી તરફ જિલ્લા મુખ્ય મથક મોડાસામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. શહેરના ચાર રસ્તા, બસ સ્ટેશન, પેલેસ ચોકડી સહિતના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો હતો. પ્રથમ વરસાદમાં જ શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતાં ડ્રેનેજ વ્યવસ્થાના પ્રશ્નો ફરી એકવાર સામે આવ્યા હતા.મોડાસાના ચાર રસ્તા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડી હતી, જ્યારે અનેક દુકાનોની આગળ પણ પાણી ભરાઈ જતાં વેપારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદથી એક તરફ લોકોને ગરમીમાંથી રાહત મળી છે તો બીજી તરફ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અંગે પણ પ્રશ્નો ઉભા થયા છે.





