AHAVADANG

વાંસદા ના.કા.ઈ. કચેરીમા ૩૪ વર્ષની કર્મનિષ્ઠ સેવા બજાવનાર આર.આર. પટેલને અશ્રુભીની આંખે ભાવભીની વિદાય

વાંસદા ના.કા.ઈ. કચેરીમા ૩૪ વર્ષની કર્મનિષ્ઠ સેવા બજાવનાર આર.આર. પટેલને અશ્રુભીની આંખે ભાવભીની વિદાય

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

વાંસદા: નવસારી જિલ્લા પંચાયત હસ્તકની વાંસદા નાયબ કાર્યપાલક ઈજનેરની કચેરીમાં છેલ્લા 34 વર્ષથી નિષ્ઠા, પ્રમાણિકતા અને ફરજપરસ્તીનું જીવંત ઉદાહરણ બની સેવા આપનાર રેખનકાર આર.આર. પટેલ તા. 30 જૂન, 2026ના રોજ સેવા નિવૃત્ત થતાં સમગ્ર કચેરીમાં લાગણીસભર વાતાવરણ સર્જાયું હતું. સહકર્મચારીઓએ શાલ ઓઢાડી, પુષ્પગુચ્છ અર્પણ કરી અને શુભેચ્છાઓ સાથે તેમને અશ્રુભીની આંખે વિદાય આપી હતી.

ચીખલી તાલુકાના વાંઝણા ગામના આદિવાસી ખેડૂત પરિવારમાં વર્ષ 1968માં જન્મેલા આર.આર. પટેલે પ્રાથમિક શિક્ષણ છાબડી ફળિયા વર્ગ શાળામાં તથા માધ્યમિક શિક્ષણ રાનકુવા હાઈસ્કૂલમાં પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ ચીખલી આઈટીઆઈમાંથી ડ્રાફ્ટમેન (સિવિલ)નો અભ્યાસ પૂર્ણ કરી વર્ષ 1992માં મહેસાણા જિલ્લા પંચાયત ખાતે રેખનકાર તરીકે સરકારી સેવામાં પ્રવેશ કર્યો હતો.

વર્ષ 1995થી તેઓ નવસારી જિલ્લા પંચાયત હસ્તકની વાંસદા પેટા વિભાગ કચેરીમાં સતત ફરજ બજાવતા રહ્યા. ત્રણ દાયકાથી વધુ સમય દરમિયાન તેમણે પોતાની નિષ્કલંક કામગીરી, સમયપાલન, શિસ્તબદ્ધ વલણ અને સહકારપૂર્ણ સ્વભાવથી અધિકારીઓ તેમજ સહકર્મચારીઓનો વિશેષ વિશ્વાસ અને સન્માન મેળવ્યું હતું.

નિવૃત્તિ પ્રસંગે યોજાયેલા સમારંભમાં નાયબ કાર્યપાલક ઈજનેર જી.આર. પટેલે તેમના લાંબા અને ઉજ્જ્વળ સેવાકાળને બિરદાવી નિવૃત્તિ બાદનું જીવન સુખમય, સમૃદ્ધ, સ્વસ્થ અને આનંદમય રહે તેવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે નવસારી જિલ્લા પંચાયતના નિવૃત્ત કર્મચારીઓ, અધિકારીઓ, કચેરીના તમામ સ્ટાફ તેમજ આર.આર. પટેલના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન લાગણી અને સન્માનનો અનોખો માહોલ જોવા મળ્યો હતો.

સહકર્મચારીઓએ જણાવ્યું હતું કે, “આર.આર. પટેલ માત્ર એક કર્મચારી નહોતા, પરંતુ કચેરીના પરિવારના અભિન્ન સભ્ય હતા. તેમની કર્તવ્યનિષ્ઠા, સરળતા, પ્રેમાળ સ્વભાવ અને સૌને સાથે લઈને ચાલવાની ભાવના હંમેશા પ્રેરણારૂપ રહેશે. તેમની વિદાયથી કચેરીએ એક અનુભવી, નિષ્ઠાવાન અને મિલનસાર સહકર્મચારી ગુમાવ્યો છે, જેની ખોટ લાંબા સમય સુધી સૌને વર્તાશે.”

Back to top button
error: Content is protected !!