THARADVAV-THARAD

પોલીસની મોટી સફળતા: ડ્રગ્સ વિરોધી ઝુંબેશ હેઠળ બે અલગ-અલગ કેસોમાં રૂ. ૩ લાખથી વધુની કિંમતના નશીલા પદાર્થો સાથે ત્રણ શખ્સો ઝડપાયા

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

ગુજરાત પોલીસના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) દ્વારા રાજ્યભરમાં નશીલા પદાર્થો સામે ચલાવવામાં આવી રહેલી ‘ઝીરો ટોલરન્સ’ (Zero Tolerance) નીતિના ભાગરૂપે બનાસકાંઠા રેન્જ આઈજીપી પરીક્ષિતા રાઠોડ અને વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક (SP) ચિંતન તેરૈયાના માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સરહદો પર ચુસ્ત નાકાબંધી અને વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક જ દિવસમાં એમ.ડી. ડ્રગ્સ (MD Drugs) અને અફીણના બે અલગ-અલગ કેસ શોધી કાઢ્યા છે.

**પ્રથમ કેસ: ૧.૫૩ લાખના MD ડ્રગ્સ સાથે બે આરોપી પકડાયા**

વાવ-થરાદ પોલીસ ઇન્સ્પેક્ટર એ .જી.રબારી અને તેમની ટીમ દ્વારા વાતરાઉ ચેકપોસ્ટ પર રાઉન્ડ ધ ક્લોક (૨૪ કલાક) વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક સંદિગ્ધ વર્ના ગાડીની તલાશી લેતા તેમાંથી ૫૧ ગ્રામ એમ.ડી. ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે રૂ. ૧,૫૩,૦૦૦ જેટલી થાય છે. પોલીસે ડ્રગ્સના જથ્થા સહિત રૂ. ૨ લાખની વર્ના ગાડી અને રૂ. ૨૦,૦૦૦ ની કિંમતના બે મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. આ મામલે કડી, મહેસાણાના રહેવાસી હનીફ ખાન ફિરોજ ખાન મુસલમાન (ફિરોજ સોસાયટી) અને મહમ્મદ એજાઝ ઈજજતઅલી નામના બે આરોપીઓને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે.

**બીજો કેસ: ૧.૪૫ લાખના અફીણ સાથે વધુ એક શખ્સ જેલભેગો**

બીજી તરફ, એસઓજી (SOG) પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.અમીન અને તેમની ટીમે પણ સરહદી વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન વધુ એક કેસ શોધી કાઢ્યો હતો. પોલીસે ૨૯૦.૨૦૦ ગ્રામ અફીણના જથ્થા સાથે કાશી ગામના રહેવાસી પરબતભાઈ દાનાભાઈ રબારી નામના ઇસમને ઝડપી લીધો હતો. આ પકડાયેલા અફીણની બજાર કિંમત આશરે રૂ. ૧,૪૫,૧૦૦ જેટલી થવા જાય છે.

**તપાસનો ધમધમાટ અને ‘પાસા’ હેઠળ કાર્યવાહીની તૈયારી**

આ અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપતા Dysp એસ.એમ. વારોતરિયા એ જણાવ્યું હતું કે, પકડાયેલા તમામ આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે એ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે આ નશીલા પદાર્થોનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો. આ ગુનામાં સંડોવાયેલા તમામ શખ્સો સામે કડક કાયદાકીય પગલાં ભરવામાં આવશે અને આરોપીઓ વિરુદ્ધ ‘પાસા’ (PASA) જેવા કડક શસ્ત્રોનો પણ ઉપયોગ કરવામાં આવશે.

**આધુનિક ટેકનોલોજીથી સજ્જ ચેકપોસ્ટ પર બાજ નજર**

અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું કે, સરહદી ચેકપોસ્ટ પર આધુનિક સાધનો જેવા કે સીસીટીવી કેમેરા અને બોડી વોર્ન કેમેરા (Body Worn Cameras) થી સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ડ્રગ્સ માફિયાઓ દ્વારા વાહનોના ટાયર, ડેકી, બોનેટ, સીટ કવર કે ડેશબોર્ડમાં છુપાવીને હેરાફેરી કરવાના તમામ કીમિયાઓથી પોલીસ પૂરેપૂરી વાકેફ છે અને આવા તમામ મનસૂબાઓને નાકામ કરવા માટે વાવ-થરાદ જિલ્લા પોલીસ સતત કટિબદ્ધ છે.

Back to top button
error: Content is protected !!