GUJARAT

Rajkot: આપત્તિ સમયે ઇજાગ્રસ્ત નાગરિકોના જીવ બચાવવા રાજકોટના ૨૪૩ જેટલા યુવાનો બનશે ‘આપદા મિત્ર’

તા.૨/૭/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

રાજકોટ ખાતે એન.એસ.એસ. અને “મેરા યુવા ભારત”ના સ્વયંસેવકો માટે સાત દિવસીય ‘યુવા આપદા મિત્ર’ તાલીમ શિબિર

Rajkot: રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અને ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના માર્ગદર્શન હેઠળ આપત્તિ વ્યવસ્થાપન સેલ, કલેક્ટર કચેરી, રાજકોટ દ્વારા “રાષ્ટ્રીય સેવા યોજના” અને “મેરા યુવા ભારત”ના સ્વયંસેવકો માટે ‘યુવા આપદા મિત્ર યોજના’ અંતર્ગત સાત દિવસીય આપત્તિ વ્યવસ્થાપન તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટ સ્પીપા ખાતે આ તાલીમનું આયોજન કુલ ત્રણ તબક્કામાં કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ તબક્કામાં રાજકોટ જિલ્લાના એન.એસ.એસ.ના ૧૨૩ વિદ્યાર્થીઓ અને “મેરા યુવા ભારત”ના ૧૨૦ સ્વયંસેવકો મળીને કુલ ૨૪૩ તાલીમાર્થીઓ તાલીમ મેળવી રહ્યા છે. આ તાલીમમાં એસ.ડી.આર.એફ. ગ્રુપ-૧૩ના માસ્ટર ટ્રેનર્સ, ફાયર વિભાગ તેમજ રાજકોટ ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

આ સાત દિવસીય શિબિર દરમિયાન સ્વયંસેવકોને પૂર, વાવાઝોડું, ભૂકંપ, વાદળ ફાટવું અને વીજળી પડવી જેવી કુદરતી આફતો તેમજ આગ લાગવી કે ગેસ ગળતર જેવી ઘટનાઓ સામે સ્વરક્ષા તેમજ અન્ય નાગરિકોનું રક્ષણ કરવાની તાલીમ આપવામાં આવી રહી છે. આ સાથે જ ઈજાગ્રસ્તોને સી.પી.આર.આપવો, પ્રાથમિક સારવાર કરવી, ગંભીર ઘટના વખતે લેવાતા તાત્કાલિક પગલાં અને દર્દીઓને સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડવાની ઇમરજન્સી મેડિકલ સર્વિસ વિશે જીવંત નિદર્શન દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે.

નિવાસી અધિક કલેક્ટર અને યુવા આપદા મિત્ર નોડલ શ્રી જે.એચ.બારોટ, ઇન્ચાર્જ પ્રાંત અધિકારી શ્રી એ.એસ.ઝાપડા, મામલતદાર ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેલ શ્રી મીરાબેન એચ.જાનીની સુચનાનુસાર ઇન્ચાર્જ જિલ્લા પ્રોજેક્ટ ઓફિસર ડિઝાસ્ટર શ્રી એચ. એલ. ભાસ્કર તથા નાયબ મામલતદાર શ્રી આર.આઈ.ઉપાધ્યાયની દેખરેખમાં યુવાનોને આ તાલીમ આપવામાં આવી રહી છે.

યુવાનોને તાલીમબદ્ધ કરવાનું કાર્ય પોલીસ કોન્સ્ટેબલ સર્વે શ્રી નલિનભાઈ વાસોયા, શ્રી હરપાલસિંહ જાડેજા, શ્રી વિજયભાઈ ચાવડા, શ્રી દેવેન્દ્રસિંહ ગોહિલ, શ્રી પ્રતાપભાઈ ભાસળીયા અને શ્રી સુધીરકુમાર ઓસુરા દ્વારા કરવામાં આવી રહ્યું છે.

તાલીમના અંતે તમામ તાલીમાર્થીઓને ‘યુવા આપદા મિત્ર’નું સર્ટિફિકેટ તેમજ એન.ડી.એમ.એ. દ્વારા ૫ લાખનું વીમા કવચ આપી પ્રોત્સાહિત કરાશે.

Back to top button
error: Content is protected !!