GANDHINAGARGANDHINAGAR CITY / TALUKOMORBIMORBI CITY / TALUKO

GANDHINAGAR ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે ખેડૂતોને વીજપોલ અને વીજલાઇનનું વળતર બજાર કિંમતના બમણા દરે મળશે

 

GANDHINAGAR ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે ખેડૂતોને વીજપોલ અને વીજલાઇનનું વળતર બજાર કિંમતના બમણા દરે મળશે

 

વીજપોલ અને વીજલાઇનના વળતર મુદ્દે છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા ખેડૂતોના આંદોલન વચ્ચે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. ગાંધીનગરમાં સરકારના પ્રવક્તા અને મંત્રી જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ વિવિધ વિભાગોના વડાઓ સાથે સતત બેઠકો યોજ્યા બાદ ખેડૂતોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જીતુ વાઘાણીએ જણાવ્યું કે સરકાર ખેડૂતોની ચિંતાઓ પ્રત્યે સંપૂર્ણ સંવેદનશીલ છે. છેલ્લા 12 દિવસથી મેરેથોન બેઠકો યોજાઈ હતી, જેમાં દરેક મુદ્દા પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. નિર્ણયની લાંબા ગાળાની અસર અને ખેડૂતોને મળનારા લાભોને ધ્યાનમાં રાખીને નવી નીતિને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે.

નવી જાહેરાત મુજબ, જે ખેડૂતોની જમીનમાંથી વીજલાઇન પસાર થાય છે તેમને હવે જંત્રીના આધારે નહીં પરંતુ જમીનની વર્તમાન બજાર કિંમતના બમણા દરે વળતર આપવામાં આવશે. અત્યાર સુધી વીજલાઇન માટે જંત્રીના બમણા દર મુજબ વળતર ચૂકવવામાં આવતું હતું, પરંતુ હવે વળતરની ગણતરી માર્કેટ રેટના આધારે કરવામાં આવશે.સરકારે વીજટાવરથી અસરગ્રસ્ત ખેડૂતો માટે પણ મહત્વનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી ટાવરના પાયા માટે જ વળતર આપવામાં આવતું હતું, જ્યારે હવે ટાવરના દરેક પાયાની ચારેય બાજુ વધારાના એક મીટર વિસ્તારનું પણ વળતર ચૂકવવામાં આવશે. આ નિર્ણયથી અસરગ્રસ્ત ખેડૂતોને વધુ યોગ્ય વળતર મળશે.

આ ઉપરાંત, અગાઉ વળતરની ચુકવણી તબક્કાવાર કરવામાં આવતી હતી. નવી નીતિ મુજબ હવે સંપૂર્ણ વળતર એકસાથે ચૂકવવામાં આવશે, જેથી ખેડૂતોને લાંબી રાહ જોવી ન પડે.સરકારે જમીનની વાસ્તવિક બજાર કિંમત (MRC) નક્કી કરવા માટે વિશેષ સમિતિ બનાવવાનો પણ નિર્ણય કર્યો છે. આ સમિતિમાં જિલ્લા કલેક્ટર, અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિઓ તેમજ સંબંધિત કંપનીના પ્રતિનિધિઓને સ્થાન આપવામાં આવશે. સમિતિ દ્વારા નક્કી કરાયેલા બજારભાવના આધારે વળતરની રકમ નક્કી કરવામાં આવશે. સરકારની જાહેરાત મુજબ, જેમને અગાઉ જૂના નિયમો હેઠળ વળતર મળી ચૂક્યું છે, તેઓને પણ નવી નીતિનો લાભ આપવામાં આવશે. એટલે કે, જૂના વળતર અને નવી નીતિ હેઠળ મળવાપાત્ર વળતર વચ્ચેનો તફાવત પણ ચૂકવવામાં આવશે.જીતુ વાઘાણીએ જણાવ્યું કે ગુજરાતમાં ખેતીની જમીનની બજાર કિંમત અન્ય રાજ્યોની સરખામણીએ ઊંચી હોવાથી આ નિર્ણયનો સીધો અને સૌથી વધુ લાભ રાજ્યના ખેડૂતોને મળશે. સરકારનો હેતુ ખેડૂતોને યોગ્ય અને ન્યાયસંગત વળતર મળે તે સુનિશ્ચિત કરવાનો છે.

Back to top button
error: Content is protected !!