NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લામાં મેઘતાંડવ : ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, ૬૩ માર્ગો બંધ

વાત્સલયમ સમાચાર

    મદન વૈષ્ણવ

Screenshot

ચીખલીમાં ૨૩૨ મીમી, વાંસદામાં ૨૪૧ મીમી અને ગણદેવીમાં ૧૯૮ મીમી વરસાદ; ચારેય લોકમાતા નદીઓ બે કાંઠે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

નવસારી, તા. ૩ જુલાઈ: નવસારી જિલ્લામાં મેઘરાજાએ જાણે તાંડવ મચાવતાં છેલ્લા કલાકોમાં પડેલા ધોધમાર વરસાદે સમગ્ર જિલ્લાનું જનજીવન પ્રભાવિત કર્યું છે. સતત વરસી રહેલા વરસાદના કારણે નદીઓમાં જળસ્તર ઝડપથી વધ્યું છે, અનેક ગામોનો સંપર્ક ખોરવાયો છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના દૃશ્યો સર્જાતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

જિલ્લામાં નોંધાયેલા વરસાદ મુજબ નવસારીમાં ૫૫ મીમી, જલાલપોરમાં ૫૧ મીમી, ગણદેવીમાં ૧૯૮ મીમી, ચીખલીમાં ૨૩૨ મીમી, વાંસદામાં ૨૪૧ મીમી અને ખેરગામમાં ૧૫૪ મીમી વરસાદ નોંધાયો છે. ખાસ કરીને ચીખલી, વાંસદા અને ગણદેવી તાલુકામાં ભારે વરસાદના કારણે સામાન્ય જનજીવનને વ્યાપક અસર પહોંચી છે.

જિલ્લાની ચારેય લોકમાતા નદીઓમાં જળસ્તર સતત વધી રહ્યું છે. અંબિકા નદીની ભયજનક સપાટી ૨૮ ફૂટ સામે સાંજે ૬ વાગ્યે ૧૫.૬૧ ફૂટ, પૂર્ણા નદીની ભયજનક સપાટી ૨૩ ફૂટ સામે ૧૪.૦૦ ફૂટ, મહુવા પાસેની પૂર્ણા નદીમાં ૧૪ ફૂટ તેમજ કાવેરી નદીની ભયજનક સપાટી ૧૯ ફૂટ સામે ૧૪ ફૂટ જળસ્તર નોંધાતા નદીકાંઠાના વિસ્તારોમાં વહીવટીતંત્રે સાવચેતી વધારી છે.

ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવી રહેલા પાણીના પ્રવાહને કારણે અનેક માર્ગો પર પાણી ફરી વળ્યા છે, કોઝવે ઓવરટોપ થયા છે તેમજ રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જતાં જિલ્લા વહીવટીતંત્રે જનસુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને કુલ ૬૩ માર્ગો વાહનવ્યવહાર માટે તાત્કાલિક અસરથી બંધ કરી દીધા છે.

બંધ કરાયેલા માર્ગોમાં નવસારી તાલુકાના ૧૧, જલાલપોરના ૫, ગણદેવીના ૧૦, ચીખલીના ૧૦, ખેરગામના ૩ અને વાંસદાના ૨૪ માર્ગોનો સમાવેશ થાય છે. આ માર્ગોમાં મુખ્ય જિલ્લા માર્ગો ઉપરાંત ગ્રામ્ય માર્ગો પણ સામેલ છે.

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ સંબંધિત વિભાગોને સતત પરિસ્થિતિ પર નજર રાખવા, વરસાદનું પ્રમાણ ઘટ્યા બાદ માર્ગોની સલામતીનું મૂલ્યાંકન કરીને જ વાહનવ્યવહાર શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે.

વહીવટીતંત્રે નાગરિકોને ખાસ અપીલ કરી છે કે બંધ કરાયેલા માર્ગો પર અવરજવર કરવાનો પ્રયાસ ન કરે, બેરિકેડિંગ અને સૂચના પાટિયાંનું પાલન કરે, મુસાફરી પહેલાં માર્ગોની સ્થિતિની ખાતરી કરે તેમજ ભારે વરસાદ દરમિયાન કોઝવે, રેલવે અંડરપાસ અને પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર થવાનું ટાળે. જરૂરી કામ સિવાયની મુસાફરી ન કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!