MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના રફાળેશ્વર નજીક : નાફેડે ટેકાના ભાવે ખરીદેલી ૫૫ લાખ કિલોથી વધુ મગફળી ખાખ

 

MORBI:મોરબીના રફાળેશ્વર નજીક : નાફેડે ટેકાના ભાવે ખરીદેલી ૫૫ લાખ કિલોથી વધુ મગફળી ખાખ

 

લાખો મણ મગફળીના જથ્થામાં ભીષણ આગ: અકસ્માત કે પાપ પર પડદો પાડવાનું મોટું કૌભાંડ? ઉઠ્યા અનેક સવાલો

મોરબી નજીક આવેલ રફાળેશ્વર GIDCમાં ગુજરાત વેરહાઉસ કોર્પોરેશનના ભાડાના ગોડાઉનમાં લાગેલી આગે હવે અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આ ગોડાઉનમાં આખા શેડમાં આગ પ્રસરી જતાં આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ છે. આગને વધુ ઝડપથી કાબૂમાં લેવા માટે જેસીબીની મદદથી ગોડાઉનના ઉપરના પતરા પણ તોડી નાખવામાં આવ્યા છે. જો કે, તંત્રની સતર્કતાને કારણે આગ નજીકની ઓફિસમાં પ્રસરે તે પહેલાં જ ઓફિસના રૂમમાંથી તમામ કિંમતી સામાન અને દસ્તાવેજો સુરક્ષિત રીતે બહાર ખસેડી લેવામાં આવ્યા હતા.

૧.૫૯ લાખ ગુણી મગફળી સ્વાહા: કરોડોનું નુકસાન – આ ગોડાઉનમાં નાફેડ (NAFED) દ્વારા સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદવામાં આવેલી મગફળીનો મોટો સંગ્રહ કરવામાં આવ્યો હતો. વહીવટી વિગતો મુજબ, ૧ ગુણીમાં ૩૫ કિલો મગફળી લેખે કુલ ૧.૫૯ લાખ ગુણી (આશરે ૫૫,૬૫,૦0૦ કિલો) મગફળી અહીં રાખવામાં આવી હતી. પ્રાથમિક અંદાજ મુજબ આ બળીને ખાખ થઈ ગયેલી મગફળીની કિંમત કરોડો રૂપિયામાં આંકવામાં આવી રહી છે, જેને પગલે સરકારી તિજોરીને મોટો ફટકો પડ્યો છે.

૯ દિવસથી ગોડાઉન સીલ હતું, તો આગ કેવી રીતે લાગી ગોડાઉનના મેનેજમેન્ટ તરફથી મળતી માહિતી મુજબ, મગફળીના જથ્થામાં જીવાત ન થાય તે માટે ગોડાઉનમાં ફ્યુમિગેશનની (દવા છાંટવાની) પ્રક્રિયા કરવામાં આવી હતી. આ પ્રક્રિયાના કારણે છેલ્લા ૯ દિવસથી ગોડાઉનના તમામ દરવાજા સીલ કરીને તેને સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યું હતું. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે સંપૂર્ણ બંધ અને સીલ માહોલમાં અચાનક આગ કઈ રીતે ભભૂકી ઉઠી?

ફાયર સેફ્ટી મુદ્દે મેનેજર અને ફાયર ઓફિસરના દાવામાં મોટો વિરોધાભાસ આ અગ્નિકાંડમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને બે મોટા વિરોધાભાસી નિવેદનો સામે આવ્યા છે:

મેનેજરનો દાવો: ગોડાઉનના મેનેજરના જણાવ્યા અનુસાર, ગોડાઉનમાં તમામ ફાયર સેફ્ટીના સાધનો અને CCTV કેમેરા ઉપલબ્ધ હતા. બંધ ગોડાઉનમાં આગ લાગવાનું સાચું કારણ જાણવા માટે હવે CCTV કેમેરાના ફૂટેજની બારીકાઈથી ચકાસણી કરવામાં આવશે.મોરબી ફાયર વિભાગના અધિકારીનો ખુલાસો: બીજી તરફ, મોરબી ફાયર વિભાગના અધિકારી જયેશભાઈ ડાકીએ ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું છે કે, “અહીં માત્ર ફાયરના બાટલા (સિલિન્ડર) જ ઉપલબ્ધ હતા. તે સિવાય આગ બુઝાવવા માટેની અન્ય કોઈ આધુનિક કે પૂરતી ફાયર સેફ્ટી સુવિધા ઉપલબ્ધ નહોતી.” આ નિવેદનને પગલે સરકારી ગોડાઉનની સુરક્ષા સામે અનેક પ્રશ્નાર્થો ઉભા થયા છે.

ઘટનાની ગંભીરતાને જોતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સંભાળી હતી. હાલમાં મોરબી, રાજકોટ અને વાંકાનેર ત્રણેય સેન્ટરની ફાયર બ્રિગેડની ટીમો દ્વારા આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવાના સઘન પ્રયાસો સતત ચાલી રહ્યા છે. ફાયર ફાઈટરોને દૂર સુધી પાણી ભરવા ન જવું પડે તે માટે ફાયરની ટીમે ઘટનાસ્થળની નજીક જ એક મોટો હોજ પાણીથી ભરી દીધો છે, જ્યાંથી સતત પાણી ખેંચીને આગ પર ભારે મારો ચલાવવામાં આવી રહ્યો છે.

લોકોમાં ચર્ચા: કરોડો રૂપિયાની ટેકાના ભાવની મગફળીના આ અગ્નિકાંડ પાછળ કોઈ મોટી બેદરકારી છે, શોર્ટ સર્કિટ છે કે પછી ખરીદીમાં થયેલી કોઈ ગોલમાલ પર પડદો પાડવાનો આ પ્રયાસ છે? તે તો હવે એફએસએલ (FSL) અને પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.

Back to top button
error: Content is protected !!