MORBI:મોરબી સ્કૂલનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરી રૂ. ૧૦ લાખની ખંડણી માંગી, જાનથી મારી નાખવાની ધમકી




MORBI:મોરબી સ્કૂલનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરી રૂ. ૧૦ લાખની ખંડણી માંગી, જાનથી મારી નાખવાની ધમકી

ડિજિટલ યુગમાં ઓનલાઈન ફ્રોડ અને સાયબર ક્રાઈમની એક ચોંકાવનારી અને હચમચાવી મૂકે તેવી ઘટના મોરબી શહેરમાં સામે આવી છે. જેમાં એક જાણીતી શાળાનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને શાળાના સંચાલકના નામે ઓટીપી (OTP) મેળવી, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ હેક કરીને બ્લેકમેઈલિંગ કરવા તથા રૂ. ૧૦ લાખની ખંડણી માંગવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, મૂળ મોરબી જિલ્લાના નવા સાદુળકા ગામના વતની અને હાલ મોરબીના ઘુનડા રોડ પર રહીને વેપાર કરતા ભાવેશભાઈ હર્ષદભાઈ પાંચોટીયા (ઉં.વ. ૩૪) એ અજાણ્યા શખ્સો વિરુદ્ધ સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.ઘટનાની વિગત એવી છે કે, આરોપીઓએ નાલંદા વિદ્યાલય સ્કૂલનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કર્યું હતું. ત્યારબાદ ફરિયાદીના પત્ની શિલ્પાબેનને ફોન કરીને પોતે નાલંદા વિદ્યાલયના સંચાલક કાર્તિક પાંચોટીયા બોલે છે તેવી ખોટી ઓળખ આપી હતી. વિશ્વાસમાં લઈને શિલ્પાબેન પાસેથી ઓટીપી (OTP) મેળવી લીધો હતો અને તેના આધારે તેમના વ્હોટ્સએપ, ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ હેક કરી લીધા હતા.એકાઉન્ટ્સ હેક કર્યા બાદ આરોપીઓએ શિલ્પાબેન સાથે જોડાયેલા પરિચિતો અને સાથીઓને મેસેજ કરીને ઇમોશનલ બ્લેકમેઈલિંગ શરૂ કર્યું હતું અને રૂ. ૩૦,૦૦૦ પડાવી લીધા હતા. આટલેથી ન અટકતા, આરોપીઓએ રાત્રિના સમયે વિશાલ લક્ષ્મણભાઇ ભોરણીયાના મોબાઇલ ફોન પર કોલ કરીને રૂ. ૧૦ લાખની મોટી ખંડણી માંગી હતી. જો આ રકમ ન આપવામાં આવે તો ભડાકા કરી જાનથી મારી નાખવાની ગંભીર ધમકી પણ આપી હતી.
તપાસમાં સામે આવ્યું છે કે સાયબર ગુનેગારોએ આ જ મોડસ ઓપરેન્ડીથી અન્ય સ્કૂલ, ટ્યુશન ક્લાસીસ અને બ્યુટી પાર્લરના સંચાલકોના વ્હોટ્સએપ ગ્રુપ પણ હેક કર્યા હતા. ત્યાં પણ સંચાલકોના નામે મેસેજ કરી ઓટીપી માંગવામાં આવ્યા હતા અને સ્કૂલ ફીના નામે ઓનલાઈન નાણાં પડાવવાનો નકામો પ્રયાસ કરવામાં આવ્યો હતો.ભોગ બનનાર પરિવારની ફરિયાદના આધારે મોરબી સાયબર ક્રાઈમ પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને ટેકનિકલ સોર્સિસના આધારે આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


