
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ – ખેતરની વીજ કરંટવાળી તાર જીવલેણ બની : બકરા ચરાવવા ગયેલી વૃદ્ધાનું મોત, ખેડૂત સામે ગુનો નોંધાયો
અરવલ્લી | મેઘરજ: મેઘરજ તાલુકાના ભેમાપુર (પાંટા) ગામમાં ખેતરની ફરતે બાંધવામાં આવેલી વીજ કરંટવાળી લોખંડની તાર એક વૃદ્ધા માટે જીવલેણ સાબિત થઈ છે. બકરા ચરાવવા ગયેલી 62 વર્ષીય મહિલાનું વીજ કરંટ લાગવાથી મોત થતાં મેઘરજ પોલીસે ગંભીર ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ ફરિયાદ મુજબ, ભેમાપુર (પાંટા) ગામના રહેવાસી કાન્તીભાઈ સોમાભાઈ કટારાએ પોતાના સૂંઢીયાના પાકને જંગલી રોઝ અને ભૂંડથી બચાવવા માટે ખેતરની ફરતે લોખંડના તાર બાંધી તેમાં ઘર નજીકની વીજલાઈનમાંથી ગેરકાયદેસર રીતે કરંટ છોડ્યો હતો.તા. 3 જુલાઈ દરમિયાન હિરીબેન ગલાભાઈ અમરાભાઈ કટારા (ઉં. 62) બકરા ચરાવતા ચરાવતા આરોપીના ખેતર પાસે પહોંચ્યા હતા. આ દરમિયાન વીજ કરંટ લાગતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.ફરિયાદમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ઘટનાને છુપાવવાના પ્રયાસરૂપે આરોપીએ કરંટવાળા તાર વાળી લીધા હતા અને મૃતદેહને ખેંચીને સૂંઢીયાના પાકમાં મૂકી દીધો હતો.
મૃતકના પુત્ર રમેશભાઈ ગલાભાઈ કટારાની ફરિયાદના આધારે મેઘરજ પોલીસ સ્ટેશનમાં આરોપી કાન્તીભાઈ સોમાભાઈ કટારા સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 105 અને 238(બી) હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.




