
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના સાપુતારા પોલીસ સ્ટેશનની ટીમે પ્રવાસી સાથે પ્રવાસના બહાને લોભ-લાલચ આપી છેતરપિંડી આચરતી ગેંગના બે સાગરીતોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ડાંગ-આહવાના પોલીસ અધિક્ષક પૂજા યાદવ તેમજ નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.જે.કે.બારીયાની ટીમે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન રિસોર્સની મદદથી આ કામગીરી કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ‘vendorland tours & Vacations Pvt. Ltd’ નામની કંપનીના સંચાલકો અને કર્મચારીઓએ ફરિયાદીને ટુર પેકેજ અપાવી અલગ-અલગ ચાર્જના નામે કોઈ સુવિધા આપ્યા વગર રૂ. ૭૬,૦૦૦/- ની છેતરપિંડી કરી હતી અને ક્રેડિટ કાર્ડના વ્યાજ પેટે પણ રૂ. ૧૦,૫૦૦/- પડાવી લીધા હતા.આ અંગે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ (BNS) ની કલમ ૩૧(૪) અને ૫૪ મુજબ ગુનો નોંધાતા સાપુતારા પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી.સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.જે.કે.બારીયા દ્વારા આ ગુનામાં સામેલ મુખ્ય આરોપીઓ (૧) નિલેષભાઈ રામદાસભાઈ આહીરે (રહે. નાશિક, મહારાષ્ટ્ર) અને (૨) મિત સુરેશભાઈ શાહ (રહે. વિરાર, જી. પાલઘર, મહારાષ્ટ્ર) ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે વોન્ટેડ આરોપીઓ પૂજા શર્મા અને જયદીપ શેટ્ટી (બંને કંપનીના કોલ સેન્ટર કર્મચારી) ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે..




