MORBI:મોરબી જેતપર ખેડૂત આંદોલન: ઉપવાસી નેહુલ અમૃતિયાની તબિયત લથડતા ICUમાં ખસેડાયા, ડૉક્ટરની સલાહ બાદ પારણા કરાવાયા




MORBI:મોરબી જેતપર ખેડૂત આંદોલન: ઉપવાસી નેહુલ અમૃતિયાની તબિયત લથડતા ICUમાં ખસેડાયા, ડૉક્ટરની સલાહ બાદ પારણા કરાવાયા

જેતપર ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. આંદોલન દરમિયાન ઉપવાસ પર ઉતરેલા નેહુલ અમૃતિયાની તબિયત અચાનક બગડતાં મોડી રાત્રે તેમના ઉપવાસના પારણા કરાવી દેવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, ગઈકાલે રાત્રે આશરે ૧૧ વાગ્યાની આસપાસ ઉપવાસ છાવણી પર નેહુલ અમૃતિયાની તબિયત અચાનક ખૂબ જ લથડી ગઈ હતી અને તેઓ બેભાન થઈ ગયા હતા. જેને પગલે છાવણી પર હાજર અન્ય ખેડૂતો અને સહયોગીઓમાં ચિંતાનો માહોલ વ્યાપી ગયો હતો. તેમને તાત્કાલિક અસરથી પ્રથમ જેતપરની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જેતપર હોસ્પિટલના ડૉક્ટરોની પ્રાથમિક તપાસ અને સલાહ બાદ, વધુ સારવાર માટે નેહુલ અમૃતિયાને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને ICU (ઇન્ટેન્સિવ કેર યુનિટ)માં દાખલ કરી સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી.ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, લાંબા ઉપવાસના કારણે નેહુલ અમૃતિયાના કિડની અને લીવરમાં સોજો આવી ગયો હતો. તેમની સ્થિતિ ગંભીર હોવાથી ડૉક્ટરોએ તાત્કાલિક ઉપવાસ છોડવા (પારણા કરવા) માટે કડક તબીબી સલાહ આપી હતી.ડૉક્ટરો તરફથી મળેલી ગંભીર તબીબી સલાહ બાદ, હોસ્પિટલમાં હાજર આગેવાનો અને પરિવારજનોએ નેહુલ અમૃતિયાને સ્વાસ્થ્યની ગંભીરતા સમજાવી હતી. આખરે, રાત્રે આશરે ૩ વાગ્યાની આસપાસ નેહુલ અમૃતિયાને સમજાવીને હોસ્પિટલના બિછાને જ ઉપવાસના પારણા કરાવી દેવામાં આવ્યા હતા. હાલમાં તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે અને ડૉક્ટરોની ટીમ તેમની તબિયત પર સતત દેખરેખ રાખી રહી છે.


