MORBI:મોરબીના વજેપર (વોર્ડ નં. 13) વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ: સ્થાનિકોમાં ઉગ્ર રોષ




MORBI:મોરબીના વજેપર (વોર્ડ નં. 13) વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ: સ્થાનિકોમાં ઉગ્ર રોષ

મોરબી: વિકાસના મોટા-મોટા દાવાઓ વચ્ચે મોરબીનો વજેપર વિસ્તાર (વોર્ડ નંબર 13) આજે પણ પ્રાથમિક સુવિધાઓ માટે લોહીના આંસુ રોઈ રહ્યો છે. રસ્તા, પાણી અને ગટર જેવી પાયાની જરૂરિયાતો ન મળતા સ્થાનિક રહીશોમાં તંત્ર અને નેતાઓ સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે. સ્થાનીક લોકો હવે ખુલ્લેઆમ સવાલ પૂછી રહ્યા છે કે, “શું ભાજપને ખોબલે-ખોબલે મત આપ્યા તેનું આ જ પરિણામ અમારે ભોગવવાનું?”

સ્થાનિક વડીલ અને રહેવાસી વસંતભાઈ માવજીભાઈ નકુમ પોતાનો બળાપો ઠાલવતા જણાવે છે કે:”મારી ઉંમર 60 વર્ષની થઈ અને દેશની આઝાદીના 80 વર્ષ થવા આવ્યા, છતાં આ વિસ્તારમાં આજ દિન સુધી ક્યારેય વ્યવસ્થિત RCC રસ્તા બનાવવામાં આવ્યા નથી. ચોમાસું આવતા જ આખો વિસ્તાર કાદવ-કીચડના સામ્રાજ્યમાં ફેરવાઈ જાય છે. અહીં આવેલા પવિત્ર રામજી મંદિરે દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ અને નાના બાળકો-વૃદ્ધોને ચાલવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે. નર્કાગાર જેવી સ્થિતિમાં અમે જીવી રહ્યા છીએ.”
વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરીમાં એટલી હદે ભ્રષ્ટાચાર અને બેદરકારી દાખવવામાં આવી છે કે ગટરની લાઈનો યોગ્ય રીતે નાખવામાં જ નથી આવી. પરિણામે, ગટરના ગંદા અને દુર્ગંધયુક્ત પાણી લોકોના ઘરોમાં અને શેરીઓમાં બેક મારે છે. પીવાના પાણીની પણ કોઈ યોગ્ય સુવિધા નથી અને સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા ચોમાસાની રાત્રે અંધારપટ છવાઈ જાય છે.

સ્થાનિકોનો સૌથી મોટો આક્રોશ રાજકીય નેતાઓ સામે છે. લોકો આક્ષેપ કરી રહ્યા છે કે:ચૂંટણી સમયે જયંતિભાઈ રાજકોટિયાએ મસમોટા ભાષણો આપીને વચન આપ્યું હતું કે, “જો કોઈ કોર્પોરેટર કામ ન કરે તો મને કહેજો, હું બેઠો છું.” પરંતુ આજે જ્યારે જનતા મુશ્કેલીમાં છે ત્યારે જયંતિભાઈ સહિતના તમામ નેતાઓ અને કોર્પોરેટરો ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેમ ગુમ છે!
સ્થાનિક લોકો નિયમિતપણે નગરપાલિકા/કોર્પોરેશનમાં ટેક્સ ભરે છે, છતાં સુવિધાના નામે ‘મીંડું’ મળે છે.
જ્યારે કોર્પોરેટરોને રજૂઆત કરવામાં આવે છે, ત્યારે તેઓ “અમારું કંઈ ચાલતું નથી” કહીને હાથ ઊંચા કરી દે છે. જનતાનો સણસણતો સવાલ છે કે જો તમારું કંઈ ચાલતું જ ન હોય તો રાજીનામા આપીને ઘરે કેમ નથી બેસી જતા? મેયર કે કમિશનર માત્ર એસી ચેમ્બરોમાં બેસવા માટે છે? વજેપરની મુલાકાત લેવાની તેમની તેવડ કેમ નથી?

જનતાની ચીમકી: તાત્કાલિક કામ કરો, નહીંતર ઉગ્ર આંદોલન ચોમાસાની ભયાનક સ્થિતિને જોતા સ્થાનિકોએ તંત્રને અલ્ટીમેટમ આપ્યું છે કે:તાત્કાલિક ધોરણે રસ્તાઓ પર મેટલ (કપચી) નાખીને રસ્તાઓ ચાલવા લાયક બનાવવામાં આવે.ગટર અને પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે.જો આ માગણીઓ સત્વરે પૂરી કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં વજેપરની જનતા નગરપાલિકા ઘેરાવ કરી ઉગ્ર આંદોલન આદરશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્ર અને સ્થાનિક નેતાઓની રહેશે. ‘મોરબીનો આ કેવો વિકાસ?’ તેવો સવાલ આજે વજેપરનો બાળક-બાળક પૂછી રહ્યો છે.



