
બ્રિજેશ પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
ગુજરાતની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ વાઈબ્રન્ટ સમિટ યોજાઈ હતી. વડોદરા ખાતે યોજાયેલા સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ (CED), ગુજરાત દ્વારા આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત મહિલા ઉદ્યોગ સાહસિકતા, આત્મનિર્ભરતા અને નેતૃત્વને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતના ૧૦ જિલ્લાઓમાંથી ઉદ્યોગપતિઓ, સ્ટાર્ટઅપ્સ, ઉદ્યોગ નિષ્ણાતો, નીતિ નિર્માતાઓ અને વ્યાવસાયિકો વચ્ચે વિચારોના આદાન-પ્રદાન માટે સશક્ત ઉદ્યોગિની સંવાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
આ સશક્ત ઉદ્યોગિની સંવાદમાં ગુજરાત સરકાર દ્વારા ભરૂચ અને નર્મદા જિલ્લામાં જાણીતા ( Women Entrepreneurs) એન્ટરપ્રિન્યોર અને પી.એમ.શ્રી કૃષ્ણ આશ્રમશાળાના પ્રિન્સિપાલ રંજનબેન વસાવા પણ ગુજરાત સરકાર દ્વારા આમંત્રિત વક્તા તરીકે ઉપસ્થિતિ રહ્યા હતા.
આ પેનલ ચર્ચોમાં મહિલા ઉદ્યોગસાહસિકતા, નવીનતા, નેતૃત્વ, નાણાકીય સમાવેશ, માર્ગદર્શન અને મહિલા સંચાલિત ઉદ્યોગોના સશક્તિકરણ જેવા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. જ્યાં જુદા – જુદા ક્ષેત્રની મહિલાઓ, રોકાણકારો (Investors), મેન્ટર્સ અને માર્કેટિંગ એક્સપર્ટ્સ સફળ મહિલા ઉદ્યોગપતિઓ, સ્ટાર્ટ-અપ મહિલાઓ એક મંચ ઉપસ્થિત થઈ હતી.
જે મહિલાઓએ શૂન્યમાંથી સર્જન કરીને સફળ બિઝનેસ ઊભો કર્યો છે, તેઓ પોતાના સંઘર્ષ, પડકારો અને સફળતાની કહાનીઓ (Success Stories) શેર કરી હતી. આ પ્રતિભાવોને કારણે નવી શરૂઆત કરવા માંગતી મહિલાઓને વાસ્તવિક માર્ગદર્શન અને પ્રેરણા મળી હતી.
આ તકે, ભરૂચ જિલ્લામાંથી વક્તા તરીકે ઉપસ્થિત રહેલા રંજનબેન વસાવાએ ‘સશક્ત ઉદ્યોગિની સંવાદ’ માં મહિલા ઉદ્યોગસાહસિકતા, આદિવાસી મહિલાઓના આર્થિક સશક્તિકરણ, કુદરતી ખેતી, કૃષિ આધારિત મૂલ્યવર્ધન કાર્બન ક્રેડિટ અને ગ્રામિણ ઉદ્યોગ વિકાસ અંગે પોતાના વિચારો અને અનુભવો રજૂ કર્યા હતા.
તેમણે, રાજ્ય સરકારનો આભાર માની કાર્યક્રમનો પ્રતિભાવ આપતાં જણાવ્યું કે, વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – સેન્ટ્રલ ગુજરાત 2026માં ગુજરાત સરકાર દ્વારા વક્તા (Speaker) તરીકે આમંત્રિત થવું મારા માટે ગૌરવ, સન્માન અને જવાબદારીની અવિસ્મરણીય ક્ષણ રહી છે. આ પ્રતિષ્ઠિત તક આપવા બદલ હું ગુજરાત સરકાર અને વાઇબ્રન્ટ ગુજરાતની સમગ્ર ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. મારા સહ-પેનલિસ્ટ્સ અને તમામ ઉપસ્થિત સહભાગીઓના વિચારો, પ્રશ્નો અને અનુભવોને કારણે આ સંવાદ વધુ અર્થપૂર્ણ અને પ્રેરણાદાયી બન્યો છે.
વધુમાં આ કાર્યક્રમ સંદર્ભે ભાર પૂર્વક કહ્યું કે, સશક્ત ઉદ્યોગિની સંવાદએ મહિલા સશક્તિકરણ અને આર્થિક સ્વાયત્તતા તરફ દોરી જતું એક અત્યંત પ્રેરણાદાયી અને સકારાત્મક પ્લેટફોર્મ છે. આ સંવાદ દ્નારા સમાજમાં મહિલા ઉદ્યોગસાહસિકો (Women Entrepreneurs) ને એક મજબૂત મંચ તેમના વ્યવસાયિક કૌશલ્યને ખીલવવા, નવી ઊંચાઈઓ સર કરવાનો છે.
હું અંગત પણે માનું છું કે જ્યારે મહિલાઓને યોગ્ય તક, તાલીમ, બજાર અને નાણાકીય સહયોગ મળે છે ત્યારે તેઓ માત્ર પોતાનું નહીં, પરંતુ સમગ્ર સમાજ અને અર્થવ્યવસ્થાનું ભવિષ્ય બદલી શકે છે.વ્યાવસાયિક જીવનમાં કેટલીક ક્ષણો માત્ર સિદ્ધિ નથી હોતી, પરંતુ જીવનભરની પ્રેરણા બની જાય છે. આવનારા દિવસોમાં ભરુચ અને નર્મદા જિલ્લામાં મહિલા સશક્તિકરણ, આદિવાસી વિકાસ, પ્રાકૃતિક ખેતી, ખેડૂત કલ્યાણ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે સંપૂર્ણ સમર્પણ સાથે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા દાખવી હતી.
અત્રે ઉલ્લેખનીય છેકે, રંજનબેન વસાવા છેલ્લા 25 વર્ષથી શિક્ષણ સાથે આદિવાસી મહિલાઓના આર્થિક સશક્તિકરણ, પ્રાકૃતિક ખેતી, કૃષિ આધારિત મૂલ્યવર્ધન કાર્બન ક્રેડિટ અને ગ્રામિણ ઉદ્યોગ વિકાસના ક્ષેત્રમાં વિશ્વ માનવ કલ્યાણ ટ્રસ્ટથી સતત કાર્યરત છે.
આ કાર્યક્રમમાં ગુજરાતભરના વિવિધ પ્રતિનિધિઓએ ઉદ્યોગ વિકાસ, નાણાકીય સહાય, માર્કેટિંગ, ડિજિટલ ટેક્નોલોજી અને સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. સાથે જ વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો સાથે વિચારોની આપ-લે કરીને નવા વ્યવસાયિક અવસરો અંગે ચર્ચા કરી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત તમામ મહિલા ઉદ્યોગ સાહસિકોને સ્મૃતિચિહ્ન અર્પણ કરી તેમના કાર્યને બિરદાવવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ પ્રકારના કાર્યક્રમો મહિલાઓમાં આત્મવિશ્વાસ વધારવા, ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા અને “વિકસિત ગુજરાત – આત્મનિર્ભર મહિલા”ના સંકલ્પને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ મહિલાઓને નવી તકોનો લાભ લઈ આત્મનિર્ભર બનવા, નવીન ઉદ્યોગો શરૂ કરવા અને રાજ્યના આર્થિક વિકાસમાં સક્રિય ભાગીદાર બનવા માટે પ્રેરણા આપી હતી.



